મહારાષ્ટ્રના અંબરનાથ શહેરમાં તાજેતરમાં એક અત્યંત કરુણ અને ભયાનક માર્ગ અકસ્માત નોંધાયો છે, જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. એક કારના ડ્રાઇવરને અચાનક ડ્રાઇવિંગ દરમિયાન હાર્ટ એટેક આવતા કાર સંપૂર્ણપણે નિયંત્રણ બહાર જતી રહી હતી, જેના કારણે તે 4 થી 5 વાહનો સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 4 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે દ્રશ્યોની ભયાનકતા દર્શાવે છે.
આ ભયાનક ઘટના અંબરનાથના એક વ્યસ્ત ફ્લાયઓવર પર બની હતી. ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા કાર બેકાબૂ બની, ડિવાઇડર ઓળંગી ગઈ અને સામેના ટ્રેક પર આવીને વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એક બાઇકસવાર હવામાં ઉછળીને ફ્લાયઓવર પરથી નીચે પટકાયો હતો. મૃત્યુ પામનાર 4 લોકોમાં કારના ડ્રાઇવર પોતે, તેમજ અન્ય 3 રાહદારીઓ/વાહનચાલકોનો સમાવેશ થાય છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન બની ઘટના
મળી રહેલા અહેવાલો અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે શિવસેનાના ઉમેદવાર કિરણ ચૌબે તેમના ડ્રાઇવર લક્ષ્મણ શિંદે સાથે ચૂંટણી પ્રચાર માટે બુવા પાડા વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. ફ્લાયઓવર પર પહોંચતા જ ડ્રાઇવર લક્ષ્મણ શિંદેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો, જેના કારણે કાર બેકાબૂ થઈ ગઈ અને તે પછી તેણે રસ્તા પર ભયંકર કહેર મચાવ્યો.
આ ભયાનક અકસ્માતમાં ડ્રાઇવર લક્ષ્મણ શિંદેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. અન્ય મૃતકોમાં અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કર્મચારી ચંદ્રકાંત અનારકે, અને સ્થાનિક રહેવાસીઓ સુમિત ચેલાની અને શૈલેષ જાધવનો સમાવેશ થાય છે. ચંદ્રકાંત અનારકે બાઇકસવાર હતા, જે ટક્કર બાદ નીચે પટકાયા હતા.