Tuesday, Mar 24, 2026

બનાસકાંઠાના જસરા ગામે ડબલ મર્ડર, પીઆઈના માતા-પિતાનું ભયાનક હત્યાકાંડ

2 Min Read

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ-ઇન્સ્પેક્ટરનાં વૃદ્ધ માતા-પિતાની ગત રાત્રે લૂંટારાઓ દ્વારા નિર્મમ હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. લૂંટારાઓ એટલા ક્રૂર હતા કે બંનેના ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યાં હતાં તેમજ વૃદ્ઘાએ પગમાં કડલાં પહેર્યાં હતાં. કડલાં લૂંટવા માટે પગમાંથી બહાર કાઢવાને બદલે તેમના પગ જ કાપી નાખ્યા હતા અને એ લઇ ફરાર થઇ ગયા હતા.

દંપતીની હત્યાને લઈને જસરા ગામના લોકોમાં ભારે રોષ
વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલને ખેતરમાં રાત્રિના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. હત્યાની ઘટનાને પગલે આગથળા પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી દીધી છે. દંપતીની હત્યાને લઈને જસરા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આખરે શા માટે પીઆઈના માતા-પિતાની હત્યા કરવામાં આવી? કોણ હતા એ હત્યારા? આ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.

અત્યારે હત્યાના બનાવ સ્થળ પર આગથળા પોલીસ સાથે સાથે જિલ્લા પોલીસ પણ પહોંચી ગઈ છે. પીઆઈના માતા-પિતાની હત્યા થઈ હોવાથી પોલીસ દ્વારા વધારે ઝડપી કામ કરવામાં આવી શકે છે. પીઆઇ એ.વી પટેલના માતા-પિતા ખેતરમાં તેમના ઘરે સૂઈ રહ્યાં હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હત્યા કરી લૂંટ કરતી ગેંગ સામેલ હોઈ શકે
એસ.પી. અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું માની શકાય કે જે ઈસમો આવેલા હતા તેમને ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે. અમે આ મામલે અલગ અલગ મોડસ ઓપેરન્ડીથી કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે. એવી કોઈ ગેંગ છે, જે કોઈ વિસ્તારમાંથી આવીને અંજામ આપતી હોય છે. એના પર કામ કરી રહ્યા છીએ. એફએસએલ અને ડોગ-સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે.

Share This Article