ચંદ્ર પર ધૂળ ઉડે ખરી ? ચંદ્રયાનના કથિત ડિઝાઈનર મિતુલ ત્રિવેદીના દાવાઓમાં કેટલો દમ ?

Share this story
  • Chandrayaan-3ની ડિઝાઈન સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ બનાવી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે આ શખ્સ ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ આ અંગે જ સવાલો ઉઠી રહ્યા છે.

Chandrayaan-૩ની ડિઝાઈન સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ બનાવી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જો કે આ શખ્સ ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ આ અંગે જ સવાલો ઉઠી રહ્યા છે. સૂત્રોના હવાલેથી કેટલાક મીડિયા અહેવાલોમાં પ્રકાશિત થયેલી વિગતો પ્રમાણે મિતુલ ત્રિવેદી નામનો કોઈ વ્યક્તિ ઈસરો સાથે સંકળાયેલો નથી.

મિતુલ અને તેના શિક્ષકની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ :

૨૩ ઓગસ્ટે Chandrayaan-૩ના સફળ લેન્ડિગ બાદ સુરતનો મિતુલ ત્રિવેદી ચર્ચામાં હતો કારણ કે તેણે દાવો કર્યો હતો કે, ચંદ્રયાન-૩ની ડિઝાઈન તેણે જ બનાવી છે. આટલું જ નહીં મિતુલ અને તેના શિક્ષકની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, આથી બધાને એવું લાગ્યું કે તેણે જ ચંદ્રયાન-૩ની ડિઝાઈન બનાવી છે.

આ ઓડિયો ક્લિપમાં મિતુલ તેમના શિક્ષકને જણાવી રહ્યા છે કે, ચંદ્રયાનની મારી બનાવેલી ડિઝાઈનના કારણે ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન ઘણી ઓછી ધૂળ ઉડી. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થયો કે, ચંદ્ર પર તો વાતાવરણ એટલે કે હવા જ નથી તો ધૂળ ઉડે તો પણ કેવી રીતે ઉડે?

શું કહ્યું ISROના પૂર્વ સ્પેસ સાયન્ટિસ્ટે ?

આ અંગે અમે ISROના પૂર્વ સ્પેસ સાયન્ટિસ્ટ ચિંતન ભટ્ટ સાથે વાતચિત કરી જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું, “પહેલા તો હું તમને જણાવી દઉં કે આ વાતમાં મને કોઈ ઓથેન્ટિક હોય એવું લાગતું નથી કે આ ડિઝાઈન તેણે બનાવી હોય.

ISROમાંથી કોઈએ એવો ક્લેઈમ નથી કર્યો કે “આ મેં ડિઝાઈન કર્યું છે.” અમારૂ એ કલ્ચર નથી, કે આવી રીતે મીડિયામાં અમે જઈને કહીએ. એ ઓફિશિયલ ચેનલ થ્રુ જ આવે. હું ઘણા સમયથી ઈસરો સાથે કનેક્ટેડ નથી. એટલે મિતુલ ISRO સાથે સંકળાયેલો છે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ ન હોવાના ચાન્સિસ વધારે છે.”

ચંદ્ર પર ધૂળ ઉડે ખરી :

સાથે જ ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર લેન્ડ થયું ત્યારે ધૂળની ડમરીઓ ઉડે કે કેમ અથવા ઓછી ઉડે કે ન ઉડે એ અંગે પણ જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું, “ધૂળની ડમરીઓ ઉછળવા પાછળ શક્યતાઓ એટલા માટે હોય કારણ કે, પ્રોપલેન્ટ ખૂબ જ ફોર્સથી હવા છોડતા હોય છે. જેના કારણે ધૂળ ઉડી શકે. ધૂળ ઉડે ખરી એ વાત સાચી, વાતાવરણ નથી એટલે એની જાતે જાતે કશું ન થાય, પણ ફોર્સથી જે અગ્નિ આવતું હોય એના લીધે ઉડી શકે.”

આ પણ વાંચો :-