મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો પાદરા નજીકનો ગંભીરા બ્રિજ 9 જુલાઈની વહેલી સવારે અચાનક ધરાશાયી થયો હતો. 110 ફૂટ ઊંચાઈ પરથી 8 થી વધુ વાહનો મહીસાગર નદીમાં ખાબકતાં ભયાનક દૃશ્ય સર્જાયું હતું. આ અકસ્માતમાં 20થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન મોત થયું
આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત ગણપત સોલંકી, દિલીપ પઢિયાર અને રાજુ હાથીયા સારવાર હેઠળ દાખલ હતા. જ્યારે ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ પઢીયારનું અગાઉ બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હવે 28 દિવસથી હોસ્પિટલમાં જીવન માટે લડી રહેલા દિલીપભાઈ પઢિયારનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોનો આંક 22 પર પહોંચ્યો છે.
પરિવારમાં શોકની લાગણી જોવા મળી
દિલીપભાઈ પઢિયારનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. હોસ્પિટલ પરિસરમાં શોકની લાગણી સાથે પરિવારજનોના આક્રંદ ગુંજતા જોવા મળ્યા હતા. મૃતક દિલીપભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.