ડિજિટલ એરેસ્ટ, બ્લેકમેલ કરવાની ધમકી આપી, ખંડણી વસૂલતા સાયબર માફિયાઓનો નવો ધંધો
હરીફ વેપારી, ઉદ્યોગકારને હેરાન કરવા સાયબર ‘સોપારી’ની નવી ગુનાખોરી
સાયબર માફિયા પાસે કોઇનું બેંક એકાઉન્ટ હેક કરાવી, રૂપિયા હરીફનાં ખાતામાં ટ્રાન્સફર કરાવી પોલીસને ફરિયાદ કરી હરીફનું ખાતું ફ્રિઝ કરાવી નુકસાન પહોંચાડવાની નવી તરકીબથી વેપારી વર્ગમાં ચિંતા
સુરત પોલીસનો સાયબર ગુનાખોરી સામે લોકોને સાવધ કરવા સરાહનીય પ્રયાસઃ ભોગ બનેલા લોકો, પરિવારનાં બાળકો હિંમતભેર આગળ આવે, બદનામીનો ડર જ સાયબર માફિયાઓને વધુ ઉત્તેજન આપશે
વીડિયો કોલ, ફોન કોલ, મેસેજ મારફતે કોઇપણ વ્યક્તિ ભોગ બની શકે, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની નવી ટૅક્નોલોજીમાં વ્યક્તિનો ચહેરો, અવાજ, શરીર બધું જ નકલી બની શકે, આવી ગુનાખોરી સામે સાવધાની સાથે તત્કાળ ફરિયાદ કરવી જરૂરી
લોભ, લાલચમાં આવીને સાયબર માફિયાનો ભોગ બનતી વ્યક્તિને બીજું મન આ કરવા રોકતું હોય છે, મતલબ બીજા મનની વાતને માની લેવામાં આવે તો શિકાર બનતા બચી શકાય
સાયબર ગુનાખોરીનો ભોગ બનેલી વ્યક્તિ જેટલો ડરેલો રહેશે એટલો લૂંટાતો રહેશે અને ફરિયાદ કરવામાં વિલંબ વધુ આફત નોતરી શકેઃ પો.કમિ.અનુપમસિંહ ગેહલોત
આજકાલ રિવોલ્વર અને ચપ્પુની અણીએ લૂંટ ચલાવવા કરતા એ.સી.ચેમ્બરમાં બેસીને કોમ્પ્યુટરના ટેરવે લાખો, કરોડોની લૂંટ ચલાવવાની ‘સાયબર ક્રાઇમ’ની વધતી જતી ગુનાખોરીએ, વેપાર-ઉદ્યોગની સમાંતર ઘર, પરિવાર અને જાહેર જીવન બરબાદ કરી નાંખ્યા છે. ડિજિટલ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જેટલા નવા સંશોધન થયા છે તેના કરતા સાયબર ગુનેગારો બે કદમ આગળ પુરવાર થતા આવ્યા છે. વર્તમાન સમયમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ અનિવાર્ય અંગ બની ગયા છે. પ્લેગ્રુપમાં પ્રવેશ લેતા બાળકને ABCD ભણાવવાને કોમ્પ્યુટર, લેપટોપ કઈ રીતે વાપરવું એ પહેલા શીખવામાં આવે છે. ઘણી કહેવાતી આધુનિક શાળાઓ તો બાળકને પ્રવેશ આપતા પહેલા માતા-પિતાના ઇન્ટરવ્યૂ લે છે અને પેરેન્ટ્સને અંગ્રેજી કે કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તો જ બાળકને પ્લેગ્રુપમાં એટલે કે નર્સરીમાં પ્રવેશ આપે છે.
વર્તમાન સમયમાં ચારે તરફ ઇન્ટરનેટની માયાજાળથી હવે કોઇ જ બાકાત નથી. ઇન્ટરનેટ જેટલું સુવિધાજનક છે એટલું જ આપિત્તજનક પણ છે. બે દિવસ ‘માઇક્રોસોફટ’નું સર્વર ડાઉન થઇ ગયું કે હેક થઇ ગયું એ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ માઇક્રોસોફટનું સર્વર બંધ થઇ જવાથી હજારો ફલાઇટ્સ એટલે વિમાનો ઊડી શક્યાં નહોતાં, બેંકોના કામકાજ ઠપ્પ થઈ ગયા હતા. હોસ્પિટલમાં ચાલી રહેલા ઓપરેશનો ઉપર પણ અસરો પહોંચી હતી. મતલબ વર્તમાન યુગમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટથી પોતાની જાતને દૂર કરી શકે તેમ નથી. આવા સંજોગોમાં ‘સાયબર માફિયા’ઓ ઇલેકટ્રોનિક્સ, ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને લોકોના અંગત જીવનમાં ઊતરી જાય છે અને હવે તો ‘AI’ એટલે કે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’નો ખતરનાક રીતે ઉપયોગ કરીને સાવ સીધા સાદા સજ્જન વ્યક્તિને ચારિત્ર્યહીન ચીતરી શકે છે. સાયબર માફિયાઓ માટે હવે કંઇ દેશ, રાજ્ય કે શહેરની સીમાઓ રહી નથી, દુનિયાના કોઇ પણ ખૂણામાં બેઠા બેઠા ખૂબ જ આસાનીથી રૂપિયા પડાવી શકે છે અને બદનામ કરવાની ધમકીઓ આપીને વારંવાર રૂપિયા પડાવતા રહે છે. વળી ‘ખંડણી’ વસૂલવા માટે બહાર આવવાની જરૂર નથી. વ્યક્તિને એટલી હદે ડરાવી દેવામાં આવે છે કે ઘણી વખત ભોગ બનનારાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાઓ પણ બનવા પામી છે. ઘણાં કિસ્સાઓમાં સામે ચાલીને ખંડણીખોરના ઇશારે બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતો રહે છે.
ડિજિટલ માધ્યમના નિષ્ણાતો સાયબર ક્રાઇમ રોકવા માટે ભલભલા રસ્તાઓ શોધતા રહે છે, પરંતુ સાયબર ગુનેગારો, નવા અવરોધો અને કાયદા કરતા વધુ એક કદમ આગળ નીકળી જાય છે અને લોકોને રંજાડતા રહે છે.
સાયબર ગુનેગારો માટે મોબાઇલ ફોન એવું હથિયાર છે કે વ્યક્તિના અંગત જીવન સુધી પહોંચી જાય છે. તમારી ઓફિસ, કામકાજનાં સ્થળથી શરૂ કરીને તમારા બેડરૂમની અંગત પળો ઉપર પણ સાયબર ગુનેગારો નજર રાખે છે. કારણ, આજકાલ મોબાઇલ ફોન માત્ર સંપર્ક માટેનું સાધન રહ્યું નથી. લગભગ દરેક વ્યક્તિની અંગત બાબતો મોબાઇલ ફોનમાં સ્ટોર હોય છે. વળી મોબાઇલ અને ઇન્ટરનેટ કંપનીઓ લખલૂટ કમાણી કરવા માટે મોબાઇલ ફોનમાં એટલા બધા ફિચર્સ આપે છે કે ફોનધારક ફોનનો ગુલામ બની જાય છે અને થોડી િમિનટો માટે પણ મોબાઇલ ફોન આઘોપાછો મુકાઈ જાય તો બાવરો બની જાય છે. આ સ્થિતિ માત્ર વેપારી, નોકરિયાત કે ઉદ્યોગકારની નથી, પરંતુ ઘરમાં ઉછરી રહેલા બાળકોની પણ છે. મોબાઇલ ફોનને કારણે જ અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટનાઓ ગણવા બેસીએ તો આખી હારમાળા ઊભી કરવી પડે. રોજરોજ અખબારી માધ્યમોમાં આવી ઘટનાઓ પ્રસિદ્ધ થતી રહે છે અને છતાં મોબાઇલ ફોનનું વળગણ બલ્કે એવું કહી શકાય કે મોબાઇલ ફોન એક એવું વ્યસન બની ગયું છે કે જેનો કોઇ ઇલાજ નથી અને વ્યક્તિની આ જ નબળાઇનો સાયબર ગુનેગારો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. સરકાર કે પોલીસતંત્ર ગમે તેટલી લોકજાગૃતિ માટે પ્રયાસ કરે, પરંતુ સાયબર ગુનેગારો વધુ એક કદમ આગળ નીકળી જાય છે.
બે દિવસ પહેલા સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ બ્રાંચ અને વોડાફોન-આઇડિયાના ઉપક્રમે લોકજાગૃતિ માટે સાયબર નિષ્ણાતોની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર એક્સપોર્ટ ઉર્વિન મિસ્ત્રીએ સાયબર ગુનાખોરી સામે સાવધ રહેવાના ઉપાય સૂચવવા સાથે દેશ અને દુનિયામાં સાયબર ગુનાખોરીની ઘટનાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. ઉર્વિન મિસ્ત્રીએ સાયબર ગુનાખોરીથી બચવાના ઉપાયો સૂચવ્યા હતા, પરંતુ રોજિંદા વ્યવહારૂ જીવનમાં એ બધુ યાદ રાખવાનું અને અમલમાં મૂકવાનું આસાન કહી શકાય નહીં, કારણ કે કામકાજમાં સતત વ્યસ્ત રહેતો માણસ આ બધું કઇરીતે યાદ રાખી શકે? ઉર્વિન મિસ્ત્રીએ સૂચવેલા ઉપાય ચોક્કસ આવકાર્ય હતા, પરંતુ રોજેરોજ સાયબર ગુનાખોરીમાં થઇ રહેલો વધારો અને અવનવી તરકીબોને પગલે સાયબર ગુનાખોરીને સંપૂર્ણ નાથવાનું શક્ય જ નથી. વળી ફોન ઉત્પાદક એપલ, સેમસંગ સહિતની કંપનીઓ પણ ઇન્ટરનેટના માધ્યમથી થતી ગુનાખોરી સામે રક્ષણ આપી શકતી નથી. જાતજાતના પાસવર્ડ વ્યક્તિ કેવી રીતે યાદ રાખી શકે? વળી નિષ્ણાતો એવું કહે છે કે તમામ ઇ-મેઇલ, વોટ્સએપ, ફેસબુક અને મોબાઇલના સ્ક્રીનલોકના પાસવર્ડ મોબાઇલની નોટબુકમાં સેવ કરવાને બદલે એક કાગળમાં લખી રાખવા!
હવે જો ખરેખર બધું જ કાગળમાં લખવાનું હોય તો મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનો મતલબ ક્યાં રહ્યો?
ખાનગી કંપનીમાં કામ કરતા એક કરતા વધુ કર્મચારીઓને ઇ-મેઇલ, વોટ્સઅપ સહિત સોશિયલ મીડિયાના પાસવર્ડ આપવાનું અનિવાર્ય હોય ત્યાં એક કાગળમાં લખીને કેવી રીતે રાખી શકાય? આવા પ્રશ્નો લગભગ દરેક વ્યક્તિના મનમાં ઉદ્ભવતા હશે. પરંતુ તેનું નિરાકરણ થઇ શક્યું નથી. બલ્કે એવું કહી શકાય કે અંડરવર્લ્ડ માફિયાને શોધી કાઢવામાં સફળ નીવડતી પોલીસ સાયબર માફિયાઓને નાથી શકી નથી.
આ તરફ સાયબર માફિયાઓ અનેક યુવાનો, યુવતી અને ઘર-પરિવારને બરબાદ કરી રહ્યા છે. વળી છેલ્લા કેટલાક સમયથી ‘ડિજિટલ એરેસ્ટ’ કરીને નાણાં વસૂલવાની સાયબર માફિયાઓએ અપનાવેલી તરકીબને કારણે અનેક લોકો કરોડો રૂપિયા ગુમાવી ચૂક્યા છે. વળી, પોલીસ, કસ્ટમ, સીબીઆઇ, ઇડી સહિતની સરકારી એજન્સીઓના નામે સાયબર માફિયાઓ બેખોફ વીડિયોના માધ્યમથી ધમકી આપી રહ્યા છે.
સુરત શહેરમાં પણ ઘણા લોકો આવી ડિજિટલ એરેસ્ટની ઘટનાઓનો ભોગ બન્યા હશે. કારણ કે માફિયાઓ પોલીસની વર્દીમાં વીડિયોના માધ્યમથી ડિજિટલ એરેસ્ટની ધમકી આપતા પહેલા વ્યક્તિની ચોકાવનારી વિગતો રજૂ કરીને બ્લેક મેઇલ કરવામાં આવે છે.
પો.કમિ. અનુપમસિંહ ગેહલોતના કહેવા મુજબ ભારતના કાયદામાં ડિજિટલ એરેસ્ટની કોઈ જ જોગવાઇ નથી, પરંતુ સાયબર માફિયાઓ લોકોને એટલી હદે ડરાવે છે કે શિકાર બની ગયેલા લોકો યંત્રવત્ માફિયાઓ કહે તે રીતે ખંડણીના નાણાં ચૂકવતા રહે છે. શ્રી ગેહલોતે સાફ શબ્દોમાં કહ્યું હતું કે આવા ડિજિટલી એરેસ્ટના કોઇ મેસેજ કે વીડિયો ફોન આવે તો ડર્યા વગર, વળતો પ્રતિસાદ આપ્યા વગર કટ કરી નાંખવા જોઇએ અને તેમ છતાં વારંવાર પરેશાન કરવામાં આવે તો ‘સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦’ ઉપર તત્કાળ સંપર્ક કરવાથી મદદ મળી શકશે.
પો.કમિ. અનુપમસિંહ ગેહલોતે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ઘર- પરિવારના યુવક, યુવતી, ગૃહિણીઓએ પણ કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરવાથી વધુ બ્લેકમેઇિલંગનો શિકાર બનતા અટકી શકાશે. આજકાલ સાયબર માફિયાઓ વીડીયો કોલ કરીને તમારો ફોન રેકોર્ડ કરી લે છે અને બાદમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ‘‘AI’’ના માધ્યમથી વ્યક્તિનો ન્યુડ ફોટો કે વીડિયો બનાવીને ફરતો કરી દેવાની ધમકી આપતા હોય છે પરંતુ આવી ઘટનાઓ શિકાર બનેલા લોકોએ બેધડક પોલીસનો સંપર્ક સાધવો જોઇએ. આખી ઘટનાને ખાનગીમાં રાખીને પોલીસ સાયબર માફિયા સુધી પહોંચીને છુટકારો અપાવી શકશે.
શ્રી ગેહલોતે હિંમત આપતા કહ્યું હતું કે લગભગ દરેક ઘર-પરિવારનાં બાળકો, ગૃહિણી અને ઘણા કિસ્સામાં પુરૂષો પણ સાયબર માફિયાના શિકાર બન્યા હશે. ઘરના બાળકોને પણ આવી કોઇ ઘટનાનો શિકાર બન્યા હોય તો બેધડક વાત કરવી જોઇએ. પરિવારના સભ્યોએ પણ બાળકોને વધુ ભોગ બનતા રોકવા માટે પણ નૈતિક સપોર્ટ કરવો જોઇએ.
શ્રી ગેહલોતે સાયબર ગુનાખોરીની વકરી રહેલી ‘‘સોપારી’’ અંગે ચોકાવનારો પ્રકાશ પાડતા કહ્યું હતું કે આજકાલ વેપાર- ઉદ્યોગમાં હરીફને હેરાન કરવા કે મોટી નુકસાની પહોંચાડવા સાયબર માફિયાઓ ‘સોપારી’ લઇને ગુનાખોરી આચરી રહ્યા છે.
દા.ત. કોઈનું બેંક ખાતું હેક કરીને ઉપાડેલી રકમ હરીફ વેપારીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ તરફ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવીને હરીફ વેપારીનો સમગ્ર આર્થિક વહેવાર થંભાવી દેવાય છે કારણ કે સાયબર ક્રાઇમ સેલને ફરિયાદ મળતાની સાથે તપાસનો દોર શરૂ થાય છે અને પોલીસ સૌથી પહેલું બેંક એકાઉન્ટ ફ્રિઝ કરવાનું કામ કરે છે. આ સાથે વેપારી, ઉદ્યોગકારનો નાણાંકીય વહેવાર થંભી જવાની સાથે આર્થિક નુકસાન પણ સહન કરવા ઉપરાંત પોલીસ, કોર્ટમાં પણ દોડધામ કરવી પડે છે. અલબત્ત તપાસના અંતે બેંક એકાઉન્ટ ફરી શરૂ કરવામાં આવે છે પરંતુ ત્યાં સુધીમાં વેપારીએ ત્રાસમાંથી પસાર થવું પડે છે.
લગભગ બે અઢી કલાક સુધી ચાલેલા સાયબર અવેરનેસ પ્રોગ્રામ ‘ડીજીરક્ષા’માં સાયબર ક્રાઇમ સંદર્ભે અનેક લોકોએ ચિંતાજનક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. ઘણા લોકોએ સાયબર ગુનાખોરીથી બચવા માટે નિષ્ણાતો અને પોલીસનું માર્ગદર્શન મેળવ્યું હતું. પરંતુ લાંબી ચર્ચા અને રજૂ કરેલા લોકજાગૃતિ માટેના નાટકના અંતે એક વાત ચોક્કસ થઇ હતી. સાયબરક્રાઇમ રોકવા માટે કે ભોગ બનતા બચવા માટે નિષ્ણાતોએ બતાવેલા માર્ગો અનુસરવા ઉપરાંત એક ઑર વાતનું ધ્યાન રાખવું. દરેક વ્યક્તિના ‘બે મન’ હોય છેઃ એક મન લોભ લાલચમાં ફસાઇને મોબાઇલ ઉપર આવેલા મેસેજ, ફોન કોલ, વિિડયો કોલને અનુસરીને સાઇબર ક્રાઇમનો શિકાર બને છે, પરંતુ બરાબર આ જ સમયે વ્યક્તિનું બીજું મન લોભ-લાલચમાં નહીં ફસાવા રોકતું હોય છે પરંતુ ‘‘લાલચ બડી બુરી બલા હૈ’’ એ કહેવત અનુસાર કંઇક મળી જવાની લાલચમાં આવીને લોકો ગુનેગારોની જાળમાં ફસાઇ જતા હોય છે અને ઘણી વખત કલ્પના બહારનું નુકસાન કરી બેસે છે.