Friday, Jan 2, 2026

‘ધુરંધર’માં બદલાવ બાદ આજથી થિયેટરોમાં નવું વર્ઝન, જાણો શું બદલાયું

2 Min Read

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી સ્પાય-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ વિવાદ અને સફળતા બંને વચ્ચે ઘેરાયેલી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ₹1100 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. જો કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયની સૂચના અનુસાર 1 જાન્યુઆરીથી થિયેટરોમાં આ ફિલ્મનું નવું વર્ઝન જોવા મળશે.

કેમ અને શું બદલાયું?
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની સૂચના બાદ રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’માં મહત્ત્વના ફેરફારો કરાયા છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના કેટલાક વિવાદાસ્પદ ડાયલોગ્સ પર કાતર ફેરવવામાં આવી છે. ખાસ કરીને ‘બલૂચ’ (Baloch) શબ્દને મ્યુટ કરી દેવામાં આવ્યો છે.

આ સુધારાના અમલીકરણ માટે ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા 31 ડિસેમ્બરના રોજ દેશભરના સિનેમા હોલ્સને ઈ-મેલ મોકલી જૂની DCP ફાઈલને બદલે નવું ‘રિવાઈઝ્ડ વર્ઝન’ વાપરવાની સૂચના અપાઈ છે. પરિણામે 1 જાન્યુઆરી, 2026થી થિયેટરોમાં પ્રેક્ષકોને આ નવા વર્ઝન સાથે ફિલ્મ બતાવવામાં આવશે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો બીજો ભાગ પણ અત્યંત ઝડપથી આવી રહ્યો છે. ‘ધુરંધર પાર્ટ-2’ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. ભાગ્યે જ કોઈ ફિલ્મમાં જોવા મળ્યું હશે કે માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં જ સિક્વલ રિલીઝ થઈ જાય.

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ના રેકોર્ડ્સ
રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં ₹1113 કરોડથી વધુનું શાનદાર કલેક્શન કરીને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સફળતા સાથે તે રણવીર સિંહની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી અને યાદગાર ફિલ્મ સાબિત થઈ છે.

Share This Article