Wednesday, Jan 28, 2026

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શ્રદ્ધાળુઓ કરશે સોમનાથ દાદાના દિવ્ય દર્શન

2 Min Read

ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે. આજ રોજ સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

‘ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃશિવાય’ના નાદ સાથે સુરત જિલ્લાના ૧૩૦૦ જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે. જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે. ૭૨ કલાકના સામુહિક ઓમકાર નાદ સાથે શિવમંદિરો ગુંજી રહ્યા છે. ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાન્નિધ્યમાં ઓમ નમઃશિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે એમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ સૌ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ વેળાએ મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અગ્રણી ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવાડીયા, અનિલકુમાર શુકલા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્વય સધાયો છે ત્યારે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તા.૦૮, ૦૯ અને તા.૧૦ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આગામી તા.૧૦ અને ૧૧ જાન્યુ. દરમિયાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે.

Share This Article