ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે હિમવર્ષાને કારણે માણા ગામ પાસે હિમસ્ખલન (એવલાંચ) થયો હોવાની જાણકારી મળી છે. મળતી માહિતી મુજબ, માણા ગામની ઉપર આવેલા આ હિમસ્ખલનમાં 57 મજૂરો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. જેમાંથી 10 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
હજુ પણ સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. SDRF, NDRF, જિલ્લા પ્રશાસન, ITBP અને BROની ટીમો બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. આ હિમસ્ખલન વસવાટ ધરાવતા વિસ્તારમાંથી કેટલી દૂર છે, તેની હજી સુધી ચોક્કસ જાણકારી નથી મળી. આ સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે.
BROના કાર્યકારી ઈજનેર સીઆર મીનાએ જણાવ્યું કે 57 કર્મચારીઓ સ્થળ પર છે. ત્રણથી ચાર એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે, પરંતુ ભારે હિમવર્ષાના કારણે બચાવ ટીમને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. કેદારનાથ ધામ, ત્રિયુગીનારાયણ, તુંગનાથ, ચોપતા સહિત અન્ય પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ છે.
હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારો માટે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ સહિત અન્ય જિલ્લાઓમાં હજુ વરસાદ અને હિમવર્ષાની પરિસ્થિતિ યથાવત રહેશે. IMDએ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.