Thursday, Dec 11, 2025

નોટબંધી કૌભાંડનો ભાંડાફોડ: દિલ્હીમાં કરોડોની જૂની નોટો સાથે 4 આરોપીઓ ઝડપાયા

2 Min Read

નોટબંધીને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં, બજારમાં હજી પણ જૂની, રદ કરાયેલી ₹500 અને ₹1000ની નોટોનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે. આવા જ એક મોટા રેકેટનો પર્દાફાશ દિલ્હી પોલીસે કર્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને ₹3.5 કરોડથી વધુની રકમ જૂની ચલણી નોટો જપ્ત કરી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસને બાતમી મળી હતી કે જૂની ₹500 અને ₹1000ની નોટોનો મોટા પાયે ગેરકાયદેસર સોદો થવાનો છે. આ માહિતીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. શાલીમાર બાગ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 4 પાસે ટ્રેપ ગોઠવીને પોલીસે ચાર વ્યક્તિઓને રંગે હાથે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ₹3.5 કરોડથી વધુની રદ થયેલી કરન્સીના મોટા બંડલો મળી આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી આ ગેરકાયદેસર ધંધામાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો પણ જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હર્ષ, ટેક ચંદ, લક્ષ્ય અને વિપિન કુમાર તરીકે થઈ છે.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેમની મોડસ ઓપરેન્ડી એકદમ ચાલાકીભરી હતી. તેઓ લોકોને એવું કહીને છેતરતા હતા કે આ જૂની કરન્સી ભારતીય રિઝર્વ બેંક (RBI) માંથી બદલાવી શકાય છે, જે એકદમ ખોટો દાવો છે. આ ખોટા વાયદાના આધારે, તેઓ બજાર કિંમત કરતાં ખૂબ જ ઓછા ભાવે આ રદ કરાયેલી નોટો ખરીદતા હતા અને તેને ઊંચા ભાવે અન્ય લોકોને વેચવાનો પ્રયાસ કરતા હતા.

આરોપીઓ જાણતા હતા કે 8 નવેમ્બર 2016ના નોટબંધી પછી આવી નોટો રાખવી અથવા તેનો વ્યવહાર કરવો કાયદેસર રીતે ગુનો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આરોપીઓ પાસે આટલી મોટી માત્રામાં નોટો રાખવા માટે કોઈ કાયદેસર કારણ કે દસ્તાવેજો નહોતા.

નોટબંધી પછી લાગુ કરાયેલા સ્પેસિફાઈડ બેંક નોટ્સ (SBNs) એક્ટ હેઠળ, રદ કરાયેલી નોટો રાખવી, ખરીદવી કે વેચવી એ શિક્ષાપાત્ર અપરાધ છે. આ કાયદાના આધારે, પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને નોટબંધી કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

Share This Article