Tuesday, Dec 9, 2025

દિલ્હી: લો બોલો! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની સોનાની ચેઇન લૂંટાઇ

2 Min Read

દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં સોમવારે (૪ ઑગસ્ટ) સવારે એક ચોંકાવનારી ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ ઘટના આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે તે સંસદ ભવનથી થોડે જ દૂર બની છે અને પીડિત અન્ય કોઈ નહીં એક મહિલા સાંસદ છે. તમિલનાડુના મયિલાડુથુરાઈના કોંગ્રેસ સાંસદ આર. સુધા રામકૃષ્ણ સાથે આ ઘટના બની, જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે આર. સુધા રામકૃષ્ણ, જેઓ ગત એક વર્ષથી તમિલનાડુ ભવનમાં રહે છે, સોમવારે સવારે 6 વાગ્યે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર એક લૂંટારાએ તેમના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી અને ઝડપથી ફરાર થઈ ગયો. આ ઘટનાથી સાંસદના ગળામાં ઈજા પણ થઈ હતી. દિલ્હી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીને પકડવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.

દિલ્હી પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈને 10થી વધુ ટીમો બનાવી છે. આરોપીની શોધમાં સીસીટીવી ફૂટેજ, ડમ્પ ડેટા અને પ્રત્યક્ષદર્શીઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઘટના સમયે આસપાસના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે તમિલનાડુ ભવન અને આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

ઘટના બાદ કોંગ્રેસના લોકસભા સભ્ય પ્રિયંકા ગાંધીએ આર. સુધાને લોકસભા સ્પીકર પાસે લઈ જઈને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત, સાંસદ સુધાએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું, “આ હુમલાથી મારા ગળા પર ઈજા થઈ છે, મારી સોનાની ચેન ચોરાઈ ગઈ છે અને હું આઘાતમાં છું.” તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જો દેશની રાજધાનીના ઉચ્ચ સુરક્ષા વાળા વિસ્તારમાં એક મહિલા સુરક્ષિત નથી, તો અમે ક્યાં સુરક્ષિત અનુભવી શકીએ?”

આ ઘટના એવા સમયે બની છે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને ચાણક્યપુરી જેવા ઉચ્ચ સુરક્ષા વાળા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હોય છે. આ સમયે લૂટારાઓએ ચેઈન સ્નેચિંગ કરી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાએ દેશની રાજધાનીમાં મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા શરૂ કરી દીધી છે.

Share This Article