દિલ્હીની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીના રોજ મતદાન, 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે ચૂંટણી યોજાવાની છે. આ વખતે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે.

આ પહેલા સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે થર્ડ જેન્ડરની સંખ્યા 1,261 છે.
ચૂંટણી પંચે એ વિવાદ વચ્ચે દિલ્હીના મતદાતાઓની અંતિમ યાદી જાહેર કરી છે જેમાં મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાના આક્ષેપો થઈ રહ્યા હતા. થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવા માટે અરજી દાખલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હી વિધાનસભાના ગઠન બાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઇ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી હતી. જોકે પાંચ વર્ષમાં ભાજપે ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા. મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, સાહિબ સિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું જ્યારે સુષ્મા સ્વરાજ માત્ર બે જ મહિના મુખ્યમંત્રી રહી શક્યા.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		