તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં રવિવારે મોડી સાંજે ભૂસ્ખલન થયું હતું, જેમાં એક પહાડીના નીચલા ઢોળાવ પર સ્થિત એક ઈમારત દબાઈ ગઈ હતી. આ ભૂસ્ખલનમાં બાળકો સહિત બે પરિવારના સાત લોકો ફસાયા હોવાની આશંકા છે. ફેંગલ વાવાઝોડાની અસરને કારણે જિલ્લામાં ભારે વરસાદને કારણે આ ભૂસ્ખલન થયું છે.
જિલ્લા કલેક્ટર ડી. ભાસ્કર પાંડિયને જણાવ્યું હતું કે, ‘ઘરની અંદર ફસાયેલા લોકોમાં પાંચ બાળકો હતા. સ્થાનિક પોલીસ, SDRF અને NDRFની ટીમ કાટમાળ નીચે દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. આ ઘટના રવિવારે સાંજે બની હતી જ્યારે તિરુવન્નામલાઈમાં અન્નામલાઈર પહાડીઓની તળેટીમાં સ્થિત વીઓસી નગરમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં કેટલાય મકાનોને નુકસાન થયું હતું.’
આ વિસ્તારમાં ઘરો પર એક વિશાળ ખડક હોવાથી, જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરવા માટે NDRF અને SDRF ટીમોની મદદ માંગી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર, જો રેસ્ક્યુ ઓપરેશન યોગ્ય રીતે હાથ ધરવામાં નહીં આવે તો ખડકો પડવાનો ભય છે. ઘટના સ્થળની નજીકના અન્ય કેટલાંક મકાનોને પણ નુકસાન થયું છે. પ્રશાસને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.
ફેંગલ વાવાઝોડાના કારણે પુડુચેરીમાં શનિવાર અને રવિવારે થયેલા વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શનિવારે પુડુચેરી પહોંચેલું ‘ફંગલ વાવાઝોડું રવિવારે નબળું પડ્યું હતું. જો કે, તેની અસરને કારણે, કેન્દ્રશાસિત પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું અને સેનાને પૂરના રસ્તાઓ પર ફસાયેલા લોકોને બચાવવા માટે આગળ વધવું પડ્યું હતું.
આ પણ વાંચો :-