‘દાના’ વાવાઝોડું બંગાળની ખાડી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાથી ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થશે. તેને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે વિવિધ તૈયારીઓ કરી છે. ઓડિશા સરકારે રાજ્યના બે મુખ્ય મંદિરો જગન્નાથ મંદિર અને કોણાર્ક મંદિરને ભક્તો માટે બંધ કરી દીધા છે. આ આદેશ હાલમાં 25 ઓક્ટોબર સુધી અમલમાં છે. આ પછી સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ સરકાર આ મંદિરો ખોલવા અંગે નિર્ણય લેશે.
મળતી માહિતી મુજબ, જગન્નાથ મંદિર અને કોણાર્ક મંદિર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામો છે. ભારત સહિત વિશ્વભરમાંથી દરરોજ હજારો લોકો અહીં યાત્રાએ આવે છે. આ ભીડને મેનેજ કરવા માટે પ્રશાસને મોટા પાયે વ્યવસ્થા કરવી પડશે. વાવાઝોડાની સ્થિતિમાં ભક્તોને તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે આ બંને મંદિરોને 25મી સુધી બંધ કરી દીધા છે. મંદિરો ઉપરાંત રાજ્યના સંગ્રહાલયોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
મંદિરોમાં ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સની 51 ટીમો, ફાયર બ્રિગેડની 178 અને NDRFની 10 ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમની ઓડિશાની 3 દિવસની મુલાકાત મુલતવી રાખી છે. માછીમારોને દરિયાકિનારાની નજીક ન જવા માટે કહેવામાં આવ્યું છે. 750 રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), આર્મી, એરફોર્સ અને નેવીને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે. વાયુસેનાના વિમાનો અને નૌકાદળના જહાજો નજીકમાં ફરતા રહેશે.
હવામાન વિભાગના અહેવાલ અનુસાર બંગાળની ખાડી પર એક લૉ પ્રેશર ઝોન સર્જાયું હતું જે હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઇ ગયું છે. જેના લીધે ભારતમાં દરિયા કિનારાના રાજ્યોમાં ભારે તબાહી સર્જાઈ શકે છે. ઓડિશામાં ભુવનેશ્વર ખાતે મૉક ડ્રીલ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ઓડિશાની સરકારે તો 250 રાહત કેન્દ્ર અને 500 અસ્થાયી શેલ્ટર પણ તૈયાર કરી દીધા છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) ના 1,000 જવાનોને રાજ્યના સશસ્ત્ર દળોની 30 પ્લાટુન સાથે વિવિધ જિલ્લાઓમાં તૈનાત કર્યા છે.
આ પણ વાંચો :-