Sunday, Dec 7, 2025

સાયબર લૂંટ: અમરેલીના લોકોએ 11 મહિનામાં ₹8 કરોડ ગુમાવ્યા, પોલીસે ₹70 લાખ પરત અપાવ્યા!

3 Min Read

હાલમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ છેલ્લા 11 મહિનામાં લોકોએ જુદી જુદી લાલચોમાં આવીને કરોડો રૂપિયા ગુમાવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાત સાથેની વાતચીત મુજબ, અમરેલીમાં 11 મહિનામાં સાયબર ફ્રોડની લગભગ 1200 ફરિયાદો મળી છે, જેમાં લોકોએ કુલ ₹8 કરોડ ગુમાવ્યા છે.

જોકે, રાહતની વાત એ છે કે જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુમાવેલી રકમમાંથી લગભગ ₹70 લાખ જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે.

સાયબર ફ્રોડની મુખ્ય રીતો:

SP સંજય ખરાતે જણાવ્યું કે, છેતરપિંડી કરનારાઓ મુખ્યત્વે નીચેની રીતો અપનાવે છે:

  • શેરબજારમાં નફાની લાલચ: સોશિયલ મીડિયાના ગ્રુપ્સમાં જોડાઈને ખોટા ફોટા અને વિડિયો બતાવીને લોકોને ઊંચા નફાની લાલચ આપે છે અને રોકાણ કરાવીને છેતરે છે.
  • APK ફાઈલ: RTOના ચલણના નામે અથવા અન્ય બહાના હેઠળ ફોનમાં APK ફાઈલ મોકલે છે. જો તમે આ ફાઈલ ખોલો કે ડાઉનલોડ કરો, તો તમારા મોબાઇલની બધી માહિતી ફ્રોડ કરનારાઓ પાસે પહોંચી જાય છે અને તમારું ખાતું સાફ થઈ જાય છે.
  • ડિજિટલ અરેસ્ટની ધમકી: ફ્રોડ કરનારાઓ દિલ્હી કે મુંબઈ એરપોર્ટ પરથી બોલતા હોવાનો દાવો કરીને તમને ડરાવે છે કે તમારા નામનું પાર્સલ પકડાયું છે, જેમાં ગેરકાયદેસર વસ્તુઓ છે. તેઓ કહે છે કે તમને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવ્યા છે અને કેસમાંથી બચાવવા માટે રૂપિયા માંગે છે.
  • OTP અને પાસવર્ડ માંગવા: અજાણ્યા કોલ દ્વારા OTP, પાસવર્ડ કે અન્ય અંગત વિગતો માંગીને છેતરપિંડી કરે છે.

બચવા માટે શું કરવું?

SP સંજય ખરાતે લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે આ સલાહ આપી છે:

  • તાત્કાલિક 1930 પર કોલ કરો: જો તમારી સાથે છેતરપિંડી થાય તો તરત જ 1930 હેલ્પલાઇન પર કોલ કરો, જેથી તમારા રૂપિયા આગળ જતાં અટકી જશે અને પરત મળવાની શક્યતા વધશે.
  • કોઈપણ લાલચમાં ન આવો: માર્કેટમાં કોઈ અજાણ્યો વ્યક્તિ તમને સામેથી મોટો ફાયદો કરાવવાની વાત કરે તેવી શક્યતા ઘણી ઓછી છે. આવી લોભ-લાલચમાં ન આવો.
  • લિંક કે ફાઈલ ન ખોલો: સોશિયલ મીડિયા પર કે મેસેજમાં આવેલી કોઈપણ અજાણી લિંક કે APK ફાઈલ પર ક્લિક ન કરો કે ડાઉનલોડ ન કરો.
  • પોલીસ ફોન પર અરેસ્ટ નથી કરતી: જો કોઈ તમને ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપે તો ગભરાશો નહીં. પોલીસ ક્યારેય ફોન પર કોઈની ધરપકડ કરતી નથી. તમે ગુનો કર્યો નથી તો ડરવાની જરૂર નથી. જો શંકા હોય તો તરત પોલીસનો સંપર્ક કરો.
  • જાહેર ગ્રુપ્સમાં ન જોડાઓ: સોશિયલ મીડિયામાં ગમે તે ગ્રુપમાં જોઈન થવાથી તમારી અંગત માહિતી ફ્રોડ કરનારાઓ પાસે પહોંચી શકે છે.
Share This Article