જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે એક પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કરતાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે લગભગ 3.30 વાગે આતંકવાદીઓએ બસંતગઢના ડુડુ વિસ્તારમાં CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પર ગોળીબાર કર્યો હતો.
તેમણે કહ્યું કે હુમલામાં CRPFની 187મી બટાલિયનના એક નિરીક્ષકને ગોળી વાગી હતી અને બાદમાં હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંયુક્ત પેટ્રોલિંગનો જવાબી કાર્યવાહી બાદ આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ઇન્સ્પેક્ટર કુલદીપ કુમાર 187મી બટાલિયન સાથે સંકળાયેલા હતાં. કુમારને હોસ્પિટલ લઇ જતી વખતે જ તેમનું મોત થયું હતું. હુમલો કરીને આતંકવાદીઓ ભાગી ગયા હતાં. જો કે આ આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શહીદ થયેલા ઇન્સ્પેક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હેડ કવાર્ટર લઇ જવામાં આવ્યો છે.
બસંતગઢ વિસ્તારના વન વિસ્તારમાં એપ્રિલથી અત્યાર સુધીમાં બે આતંકવાદી હુમલા થયા છે. ડોડા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાના પાંચ દિવસ પછી આ હુમલો કરવામાં આવ્યો છે. આજના હુમલા પછી જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે થયેલા આતંકી હુમલાઓમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૭૪ થઇ ગઇ છે. મૃત્યુ પામેલા ૭૪ લોકોમાં 21 સુરક્ષા જવાનો અને ૩૫ આતંકવાદીઓનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લાઓ ડોડા, કથુઆ, રેઅસી, પૂંચ, રાજોરીમાં ચાલુ વર્ષે થયેલા આંતકી હુમલાઓમાં ૩૦ લોકોનાં મોત થયા છે. જેમાં 14 સુરક્ષા જવાનો અને 6 આતંકવાદીઓ સામેલ છે.
આ પણ વાંચો :-