Monday, Dec 8, 2025

રાજ્યમાં પ્રથમ નોરતે વહેલી સવારે મંદિરોમાં ભક્તોની ભીડ જામી

2 Min Read

અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે ભક્તોની ભારે ભીડ લાગી છે. આજથી નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીનું પર્વ એટલે શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે. વહેલી સવારે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર ખુલતા જ માતાજીની એક ઝલક માટે ભક્તો આતુર જોવા મળ્યા હતા. મંદિરના ચોકમાં જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પ્રથમ નવરાત્રીમાં માતાજીના દર્શન માટે ભક્તોની મોટી લાઈનો લાગી હતી.

પાવાગઢ ખાતે પ્રથમ નોરતે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. મહાકાળી માતાના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. નવરાત્રીના પ્રારંભ સાથે જ પાવાગઢનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગુજરાત, રાજસ્થાન મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા હજારો ભક્તો જય માતાજી અને જય મહાકાળીના નાદ સાથે દર્શન કરવા ઊમટ્યા હતા. ​

નવરાત્રી દરમિયાન યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાને લઈ એસ ટી વિભાગ દ્વારા યાત્રાળુઓને તળેટીથી માંથી લાવવા લઈ જવા માટે 50 જેટલી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ​ ડુંગર પર ભક્તોની લાઈન અને અવરજવરનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Share This Article