Saturday, Sep 13, 2025

ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ લેવડાવ્યા

2 Min Read

શુક્રવારે સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવડાવ્યા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા હતા. રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આ ચૂંટણી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા પછી થઈ હતી. 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 98.2 ટકા મતદાન કર્યું હતું.

રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા
મંગળવારે NDA ઉમેદવાર રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી પછી, રાજ્યસભાના મહાસચિવ અને ચૂંટણી અધિકારી પીસી મોદીએ પરિણામો જાહેર કર્યા અને કહ્યું કે 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન કર્યું, જે 98.2 ટકા મતદાન છે.

NDA ઉમેદવારને કેટલા મત મળ્યા?
NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. જ્યારે, વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. 9 સપ્ટેમ્બરે મતદાન બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ પદના પરિણામોની જાહેરાત પછી, પીએમ મોદીએ સીપી રાધાકૃષ્ણનને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ઉપરાષ્ટ્રપતિ ભારતના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને સંસદીય સંવાદમાં સકારાત્મક યોગદાન આપશે.

સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા
અહીં ઉલ્લેખનિય છે કે, સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. હવે તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આ સ્થિતિમાં, મહારાષ્ટ્રમાં રાજ્યપાલનું પદ ખાલી પડી ગયું. નવા રાજ્યપાલની નિમણૂક સુધી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમની ફરજો ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલના કાર્યો સોંપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે.

Share This Article