સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.-2ના કોર્પોરેટર રાજેશભાઇ રાઘવભાઇ મોરડિયા વિરુદ્ધ એ.સી.બી. પો.સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, રાજેશ મોરડિયાએ 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2025 દરમિયાન પોતાના સેવા કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને કાયદેસરની આવકની સરખામણીમાં 68.50% જેટલી વધુ એટલે કે રૂપિયા 29,78,772ની અપ્રમાણસર મિલકત એકત્ર કરી છે. એ.સી.બી.ની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આ સંપત્તિ મેળવી હતી.
AAPએ આર્થિક ગેરરીતિના આરોપે સસ્પેન્ડ કર્યા હતા
રાજેશ મોરડિયાની રાજકીય કારકિર્દી વિવાદોથી ભરેલી રહી છે. તેઓ મૂળ આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર તરીકે કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. પરંતુ આર્થિક ગેરરીતિના આરોપોને કારણે AAPએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.
AAPના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, મોટા વરાછા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણી કરવા બદલ તેમની સામે ખંડણીનો ગુનો પણ નોંધાયો હતો. ઉપરાંત, આશરે સવા વર્ષ પહેલાં AAPમાંથી ભાજપમાં જોડાવા માટે નાણાંની લેવડદેવડનો એક ઓડિયો ક્લિપ વાઇરલ થયો હતો. આ બાદ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.
હાલમાં રાજેશ મોરડિયા કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને અપક્ષ કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે. જોકે, હવે તેમના પર રૂ. 29.78 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થતા તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.