રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે જ વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવા, પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ તેમણે આપી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના 10,415 યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 44 પી.એચ.ડી. તથા 1 એમ.ફિલ. ને પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના 11 ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર,શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.
રાષ્ટ્રનિર્માણ ભૌતિક સુખસુવિધાઓથી નહીં, પરંતુ વીર માતાઓના સતીત્વ અને તેમના પ્રતાપી પુત્રોના સંસ્કારો, સમર્પણથી થાય છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. આપણે મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જરૂરી છે. રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનવું એ સમયની માંગ છે.
ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસો કરીએ એવી મહામૂલી શીખ આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ‘માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ.
દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@2047’નો સંકલ્પ સાકાર કરવા માટે સામૂહિક પુરૂષાર્થ કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓને ટકોર કરતાં કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજ્યપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓને ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

આરોગ્ય, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ મેળવેલા જ્ઞાનનો સમાજ, રાજ્ય અને દેશના ભલા માટે સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે. યુવાનો દેશની પ્રગતિની દિશા નક્કી કરે, કારણ કે દેશની ઉન્નતિ, સમૃદ્ધિની બાગડોર યુવાનોના હાથમાં છે.
નર્મદ યુનિવર્સિટી આર્ય સંસ્કૃતિ, ભારતીયતાના સંસ્કારોને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય કરી રહી છે એમ જણાવી સમગ્ર યુનિવર્સિટી તંત્રને અભિનંદન આપી મંત્રીશ્રીએ જણાવ્યું કે, એ.આઈ. અને આધુનિક ટેકનોલોજીના યુગમાં વિકાસનો માર્ગ પણ ખૂલ્યો છે સાથોસાથ ટેકનોલોજીનો દુષ્પ્રભાવ પણ વ્યાપક બન્યો છે, ત્યારે યુવાનોએ ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી આપણા પ્રાચીન મૂલ્યોને ન છોડતા જમીન સાથે જોડાયેલા રહીને મળેલી તકોનો ઉજ્જવળ ભાવિ ઘડવામાં ઉપયોગ કરવો જોઈએ.
શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. જ્ઞાનના પ્રકાશથી સમાજનું કલ્યાણ થાય, ઉન્નતિ થાય તેવો ભાવ ખીલવવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ એક કોચલામાં ન રહેતાં મલ્ટીટેલેન્ટેડ બની બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા પર ભાર મૂક્યો હતો.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે મળેલી રૂ.100 કરોડની ગ્રાન્ટ પૈકી રૂ.60 કરોડના બહુવિધ શિક્ષણવિકાસના કામો પ્રગતિમાં છે.