Sunday, Dec 28, 2025

જલારામબાપા સામે ટિપ્પણીનો વિવાદ વધુ ઉગ્ર

2 Min Read

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદિત ટિપ્પણીને લઇ લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે (4 માર્ચે) વીરપુર બંધ રહ્યા બાદ આજરોજ (5 માર્ચે) રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાનપ્રકાશના પૂતળા પર પાટા મારી પૂતળું સળગાવવામાં આવ્યું હતું. જો કે તુરંત પોલીસ પહોંચી જતા પૂતળું સળગતું ઠારી વિરોધ કરી રહેલા યુવાનોને ડિટેઈન કરાયા હતા.

સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે. તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામબાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

આજે જામનગરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું હતું, કે પૂજ્ય બાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જલારામ મંદિરમાં આવશે અને બાપાના મંદિરમાં માફી માંગશે. તેમજ સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પણ જરૂરી ખુલાસો કરવામાં આવશે. આમ સ્વામી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવશે અને વિવાદનો અંત આવશે.

‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો’ સૂત્રને સાર્થક કરનાર વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. એને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માગે એવી ભાવિકોએ માગ કરી હતી. રાજકોટના સાંસદ રૂપાલાએ પણ કહ્યું હતું કે જલારામ બાપા વિશે બોલવાની સ્વામીની હેસિયત નથી.

Share This Article