મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહના કર્નલ સોફિયા કુરૈશી વિશેના વિવાદાસ્પદ નિવેદનને લઈને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશ પર કોઈ સ્ટે નહીં મૂકે. CJI બી.આર. ગવઈએ વિજય શાહને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે કેવાં પ્રકારનો નિવેદન આપી રહ્યા છો? તમે મંત્રી છો. મંત્રી થઈને આવા શબ્દોનો ઉપયોગ કરો છો? શું આ મંત્રીને શોભે છે?
સુપ્રીમ કોર્ટે વિજય શાહના કેસમાં હાઈકોર્ટના આદેશ પર કોઈ હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. માફી માગવા પણ આદેશ આપ્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશ હાઈકોર્ટે આજે ફરી આ મામલે પોલીસની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે, વિજય શાહ વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆર આટલી નબળી કેમ છે? તમે કોઈપણ દબાણ વિના તપાસ કરો. એફઆઈઆરમાં સંપૂર્ણ આદેશને સામેલ કરી ફરીથી વ્યવસ્થિત લખો. ગઈકાલે જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અનુરાધા શુક્લાની બેન્ચે મંત્રી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો હતો. જેના પર આજે થયેલી સુનાવણી પર પોલીસની એફઆઈઆર પર વાંધો ઉઠાવતાં તેને ફરીથી લખવા આદેશ આપ્યો છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલાની સુઓમોટો નોંધ લીધી અને ડીજીપીને ચાર કલાકમાં વિજય શાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો. કોર્ટના આદેશ પર બુધવારે સાંજે વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી, જેને વિજય શાહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, કોર્ટે FIR અંગે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.