Sunday, Sep 14, 2025

સુરતમાં રોકાયેલો રશિયન નાગરિક દેશભરમાં મોકલતો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ

2 Min Read

અમદાવાદની પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા વિદેશી ડ્રગ્સ મામલે સાયબર ક્રાઈમની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ કેસમાં રશિયન નાગરિકની સંડોવણી સામે આવી છે. સાયબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે વિઝા પર આવેલો રશિયન નાગરિક ડ્રગ્સની હેરાફેરી કરતો હતો, વિઝા પર આવેલો રશિયન નાગરિક  સુરતની એક હોટલમાં  રોકાયો હતો. તે હોટલ પર રોકાઈને વિદેશી ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ નક્કી કરતો હતો. તેણે ભારતમાં અનેક જગ્યાએ ડ્રગ્સ આપ્યું હોવાની આશંકા છે. સાયબર ક્રાઇમની ટીમ રશિયન નાગરિકને લેવા મુંબઈ જવા રવાના થઈ છે. રશિયન નાગરિકની પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ માફિયાઓના નામ પણ સામે આવી શકે છે.

સાયબર ક્રાઈમની ટીમે શાહીબાગના ગિરધરનગર બ્રિજ નીચેની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી આવેલા 20 પાર્સલમાંથી કોકેઇન, વિદેશી ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. કોઇને શંકા ન જાય તે માટે ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમાં પ્રોસેસ કરીને લીક્વીડ ફોર્મમાં મોકલવામાં આવતું હતું. ટીમે 20 જેટલા પાર્સલોમાંથી રૂપિયા 50 લાખની કિંમતનો છ કિલો ગાંજો અને અઢી કિલો કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થાને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, વાપી  અને ગાંધીનગર જેવા શહેરોમાં સપ્લાય કરવાનો હતો.

પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સાયબર ક્રાઇમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં ડાર્કવેબ મારફતે ઉપયોગમાં લેવાતા ગેટ-વેની વિગતો સામે આવી હતી. જેમાં કરોડોનું પેમેન્ટ કરાયું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અગાઉ બોપલ ડ્રગ્સ કેસમાં જે રીતે ડ્રગ્સ ગુજરાતમાં લવાતું હતું, તે જ મોડસ ઓફરેન્ડી વાપરવામાં આવી હોવાતી મુખ્ય આરોપીઓ વંદિત પટેલ અને વિપલ ગોસ્વામીને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ગરબાની પ્રેક્ટિસ કરતા ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત

Share This Article