હરિયાણાના રોહતકમાં કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા બાદ મૃતદેહને સૂટકેસમાં ફેંકી દેવામાં આવ્યો હતો. વળી, સોમવારે (3 માર્ચ) પોલીસે હત્યાકાંડ મામલે બહાદુર ગઢના રહેવાસી સચિન નામના એક યુવકની ધરપકડ પણ કરી છે.
મળતી માહિતી મુજબ, હિમાનીની હત્યા તેના જ ઘરમાં કરવામાં આવી હતી. જે સૂટકેસમાં હિમાનીની લાશ મળી હતી, તે સૂટકેસ પણ હિમાનીના ઘરનું જ હતું. હત્યારો હિમાનીનો ઓળખીતો છે. આરોપી પાસેથી હિમાનીનો મોબાઈલ પણ મળી આવ્યો છે. CIA 2ની ટીમે તેની દિલ્હીથી ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, આરોપીએ દાવો કર્યો કે, ‘હું હિમાની સાથે રિલેશનશિપમાં હતો અને તે મને બ્લેકમેલ કરી રહી હતી. તે મારી પાસેથી લાખો રૂપિયા પણ ખંખેરી ચુકી છે.’ પોલીસે સમગ્ર મામલે જણાવ્યું કે, આ મામલે તપાસ શરૂ છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ મોતના સાચા કારણ વિશે જાણ થશે. સોમવારે (3 માર્ચ) સવારે 11 વાગ્યે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. જેમાં તમામ માહિતી વિશે જાણ કરાશે.
હિમાની નરવાલ હત્યાકાંડમાં રચાયેલી એસઆઈટીના ચીફ ડીએસપી રજનીશ કુમારે જણાવ્યું છે કે, હત્યાકાંડના મામલે પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. મોબાઈલ ફોન પણ રિકવર થઈ ગયો છે. ખાસ કરીને જે સૂટકેસમાં ડેડ બોડી મળી હતી, તે પરિવારની જ હતી. પોલીસ આ મામલાની અનેક દિશાઓથી તપાસ કરી રહી છે. જલ્દી ખુલાસો કરશે. જણાવી દઈએ કે, આજે હિમાનીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવશે, જેનાથી તેની હત્યાની રીતનો ખ્યાલ આવશે. હિમાનીની હત્યા અંગે રાજકીય બવાલ પણ મચી ગઈ છે, કારણ કે તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલી હતી અને કોંગ્રેસની સક્રિય કાર્યકર હતી.
સમગ્ર હત્યાકાંડ મામલે હિમાની નરવાલની માતાનું પણ નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે, આરોપી કોઈ જાણીતું વ્યક્તિ જ છે અથવા પાર્ટીની કોઈ વ્યક્તિ અથવા તેની કોલેજની કોઈ વ્યક્તિ કે કોઈ સંબંધી. ફક્ત આ જ લોકો ઘરે આવી શકે છે. મને વિશ્વાસ છે કે, તેની સાથે કંઈક ખોટું કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે તેનો વિરોધ કર્યો જેના કારણે આ થયું. તેણે ક્યારેય કંઈ ખોટું સહન નથી કર્યું. હું આરોપી માટે મૃત્યુદંડની સજા ઈચ્છું છું. સરકાર તરફથી અત્યાર સુધી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો.’
જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા બાદ તેના મૃતદેહને સૂટકેસમાં ભરીને ફેંકી દેવાયો હતો. આ હત્યાકાંડ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હિમાનીની માતાએ આરોપ લગાવ્યો છે કે, ‘મારી દીકીરની હત્યા કરીને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો છે.’ હિમાની નરવાલ છેલ્લાં 10 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલી છે. તે ભારત જોડો યાત્રાનો પણ ભાગ રહી ચુકી છે. આ યાત્રા તેણે રોહતકમાં જોઇન કરી હતી અને શ્રીનગર સુધી સાથે ગઈ હતી. ભારત જોડો યાત્રા દરમિયાન હિમાનીનો રાહુલ ગાંધી સાથેનો ફોટો પણ વાઈરલ થયો હતો.