Thursday, Oct 23, 2025

બરેલીમાં શુક્રવારની નમાજ પહેલા કોમી તણાવ: ઈન્ટરનેટ બંધ, કડક પોલીસ બંદોબસ્ત

2 Min Read

ગત શુક્રવારે થયેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશના બરેલીમાં સાંપ્રદાયિક તાણવનો માહોલ છે. ‘આઈ લવ મુહમ્મ’ લખેલા પોસ્ટર સામે પોલીસની કાર્યવાહીના વિરોધ ગત શુક્રવારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેના પર પોલીસે બળપ્રયોગ કરતા હિંસક અથડામણો થઇ હતી. હવે આજે ફરી શુક્રવારની નમાજ યોજવાની છે ત્યારે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ, બરેલી શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સુરક્ષા વ્યવસ્થાને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવી છે, વિવિધ સ્થળોએ 13 સર્કલ ઓફિસર, 250 ઇન્સ્પેક્ટર અને 2,500 કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અર્ધલશ્કરી દળો, PAC અને પોલીસના આશરે 8,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બરેલી ડિવિઝનના ચાર જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ઈન્ટરનેટ સર્વિસ સ્થગિત:
અહેવાલ મુજબ પોલીસ ડ્રોન દ્વાર વિવિધ વિસ્તાર પર દેખરેખ રાખી રહી છે. જીલ્લામાં ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ અને SMS સર્વિસ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. 2 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યા સુધી હાઈ એલર્ટ લાગુ રહેશે.

શાંતિ જાળવવા અપીલ:
મુસ્લિમ ધાર્મિક નેતાઓએ લોકોને શાંતિપૂર્ણ રીતે નમાજ અદા કરવા અને કોઈપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન ન કરવા અપીલ કરી છે. અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ લોકોને શાંતિપૂર્ણ નમાઝ માટે અપીલ કરી હતી. તેમણે લોકોને નમાઝ પછી પોતાના ઘર અને દુકાનોમાં પાછા ફરવા અપીલ કરી.

Share This Article