Thursday, Oct 23, 2025

ભલુ થાજો, અનુપમસિંહ ગેહલોતનું હવે કોઇ નહીં કહે સુરતીઓમા ‘ટ્રાફિક સેન્સ’ નથી

9 Min Read
  • અંકુશ વગર મહાકાય હાથી પણ કાબુમાં રહેતો નથી, ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થામાં થોડા સુધારા જરૂરી છે પરંતુ અનુભવે એ પણ થઇ જશે
  • પૂર્વ પો.કમિ. રાકેશ અસ્થાના અને ત્યાર બાદ અજયકુમાર તોમરે શહેરભરમા સીસી કેમેરાની હારમાળા ઉભી કરીને સુરતને ‘બાજ’ નજરથી મઢી લીધું હતું
  • હવે એજ કેમેરા ટ્રાફિક નિયંત્રણ માટે પણ ઉપયોગી પુરવાર થઇ રહ્યા છે, સિગ્નલના લાંબા સમયગાળા સામે લોકોને વાંધો છે, જેમાં સુધારો કરવો પણ અનિવાર્ય
  • એક વાત ચોક્કસ છે કે ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાથી જીવલેણ અને ગંભીર અકસ્માતો ઉપર ચોક્કસ નિયંત્રણ આવ્યું અને એક વખત, ઘરેથી થોડા વહેલા નીકળવાની ટેવ  પડી જશે પછી સિગ્નલ પણ સીટી બેલ્ટ જેવા બની જશે
છેલ્લા પખવાડિયાથી સુરતના ટ્રાફિક સિગ્નલો પર ડાહ્યાડમરા બનીને ગ્રીન સિગ્નલ થાય તેની રાહ જોતાં, કાર ચાલકો અને બાઇક ચાલકોને શાંતિથી ઊભા રહેલા જોઈને, નિયમોનું પાલન કરનારા નાગરિકોના દિલમાં આનંદ અને ખુશીની લહેર ઊઠે છે. અલબત્ત, ડેસ્ટિનેશન પર પહોંચવા માટે અગાઉ જેટલો સમય લાગતો હતો તેનાથી થોડોક વધારે સમય લાગી જાય એ સ્વાભાવિક છે, પણ થોડું ટાઈમ મેનેજમેંટ કરીએ તો આપણી સલામતી સામે આ વધારાની દસ-પંદર મિનિટનું કોઈ જ મહત્ત્વ નથી.
સમય કીમતી છે’ કહેનારા લોકોએ એ વાત મગજમાં ઠસાવી લેવી પડશે કે, સમય તો કીમતી છે જ પણ જીંદગી તેનાથી પણ વધારે કીમતી છે, તમારી પણ અને બીજાની પણ ! વર્ષોથી શહેરનાં ટ્રાફિક સિગ્નલ્સ જાણે શોભાના ગાંઠિયા જેવા થઈ ગયા હતા. રેડ સિગ્નલ હોય કે પછી યલો સિગ્નલ, તેની તરફ નજર સરખી કર્યા વગર લોકો બેફામ વાહનો હંકારતા હતા. બાઇક ચાલકો સિગ્નલ પરથી ઝિગઝેગ બાઇક દોડાવીને લોકોના જીવનો સાથે ખીલવાડ કરતાં હતા. ફૂલ સ્પીડે મોબાઈલ પર વાત કરતાં કરતાં પૂર ઝડપે એસયુવી ચલાવતા યુવકો અને યુવતીઓની નજરમાં  ટ્રાફિક પોલીસનો તો જાણે કોઈ ડર જ રહ્યો નહતો. રોંગ સાઈડ પર બિંદાસ્તપણે કાર અને બાઇક ભગાવવા એ જાણે અમુક લોકોનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો હતો. તમે કાર ચલાવતા હો અને તમારી જમણી તરફથી ફૂલ સ્પીડે ઓવરટેક લઈને તરત જ તમારી કારના બોનેટ આગળથી લેફ્ટ ટર્ન મારીને ગલીમાં ઘૂસી જતાં બાઇક ચાલકો જાણે તમારું બીપી લેવલ વધારવા માટે જ આ ધરતી પર જન્મ્યા હોય એવો અહેસાસ સુરતના લગભગ દરેક કારચાલકને અનેકવાર થયો હશે.
For the first time in history, Surat remained without a commissioner for 73 days, the new commissioner Anupam Singh Gehlot will take charge today. | આજે ચાર્જ સંભાળશે: ઇતિહાસમાં પહેલીવાર સુરત 73થોડા વર્ષો પહેલા પોલીસ કમિશનર અનુપમસિંહજી ગહલૌતને વડોદરા રેન્જના આઇજીપી તરીકે કામ કરતાં નજીકથી જોયા છે. આ સજ્જન અને સૌમ્ય ચહેરો ધરાવતા પોલીસ અફસરના જ્ઞાનતંતુઓ પોલાદના બનેલા છે. અગાઉના પોલીસ અમલદારોની કડક કારવાઈના કારણે શહેરમાં હવે કોઈ ઓર્ગેનાઇઝ્ડ ગેંગ નથી, શહેરનો આડેધડ વિકાસ થવાથી નાનામોટા ગુના બને છે પણ તે નિયંત્રણમાં લાવી શકાય તેમ છે. સુરત શહેરનો જો સૌથી મોટો પ્રશ્ન હોય તો તે ટ્રાફિકનો છે, એ તો ગહલૌત સાહેબની ચકોર નજરે શહેરનો રાઉન્ડ મારતા જ જોઈ લીધું હતું.
વિદેશોમાં ઝેબ્રા ક્રોસિંગ પર પગ મૂકતા જ પૂર ઝડપે આવતા કાર ચાલકોને જબરદસ્ત બ્રેક મારીને, વાહન રોકીને  સ્માઇલ સાથે રાહદારીને જવાનો ઈશારો કરતાં જોયા અનુભવ્યા છે. સાંકડા માર્ગ પર સામેથી આવતા વાહનને લાઇટ બતાવીને તેને પહેલા જવાનો ઈશારો કરતાં પણ જોયા અનુભવ્યા છે. વિદેશમાં સામેવાળો ચાલક લાઇટ બતાવે એટલે સમજવાનું કે તે આપણને વિનયપૂર્વક “પહેલે આપ” કહીને જવાનો માર્ગ આપે છે. આપણે ત્યાં તો લાઇટ બતાવીને “ પહેલે મૈં” ના ટ્રાફિક સંસ્કાર આપણે જીવનમાં ઉતારેલા છે.
અલબત્ત, મુંબઈની ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ દેશભરમાં શ્રેષ્ઠ ગણાય છે, પણ ત્યાં પણ મધરાતથી સવારના સાડા છ કે સાત વાગ્યા સુધી ‘વેઇટ-વોચ એન્ડ ગો’ દર્શાવતા યલો સિગ્નલ ઝબૂકતા હોય છે. અમુક ઓછા ટ્રાફિકવાળા સ્થળોએ આ વ્યવસ્થા કરી શકાય અને જ્યાં ઓછો ટ્રાફિક હોય તેવા સિગ્નલો પર વેઇટિંગ ટાઈમ ઘટાડી શકાય તેમ છે. એકાદ માસના અભ્યાસ પછી આ વ્યવસ્થા પણ અમલમાં આવશે તેવું જણાય છે.
મુંબઈમાં ગુજરાત સરકારના લાયેઝન ઓફિસરની ફરજો દરમિયાન અમારી પ્રોટોકોલ કાર પર ડ્રાઇવિંગ કરતાં બાજીરાવ ધાકતોડે  નામના એક ડ્રાઈવર હંમેશા યાદ રહેશે. મુંબઈમાં સરકારી કામે એરપોર્ટ જવું હોય, મંત્રાલય જવું હોય કે પછી બોરીવલી- અંધેરીના ગીચ સબર્બન એરિયામાં જવાનું હોય, બાજીરાવ કાર ચલાવે એટલે તમારો જીવ તાળવે ચોંટી જાય. જાણે હમણાં જ કોઈ વાહન સાથે અથડાવી દેશે તેવું લાગે અને આપણે જ જાણે  બ્રેક મારવાના હોય તેમ આપણા પગ ફ્લોર પર દબાઇ જાય. અનેક વાર ચેતવણી આપવા છતાં રેડ સિગ્નલ પરથી પણ કાર ધીમેધીમે કરીને આગળ સરકાવી જાય. અમે કહીએ કે, બાજીરાવ સિગ્નલ શું કરવા તોડો છો ? તો હસીને કહે, સાહબ ગાડીપે લાલ બત્તી લગાને કા ક્યાં મતલબ હૈ? ઔર વૈસે ભી સીએમ સાહબકો એરપોર્ટ રીસિવ કરને જાના હૈ તો ઈતના તો ચલતા હૈ. નાછૂટકે અમારે ઘણી વાર એને ઓફિસે બેસાડીને બીજા સોબર ડ્રાઈવર જગદીશ પાટિલને સાથે લઈ જવો પડે. અલબત્ત, મુંબઈના ટ્રાફિકમાં પાટિલ સાથે અગત્યની ડ્યૂટી પર પહોંચતા મોડુ પણ થતું.
આ બાજીરાવને  એકવાર સરકારી કામે કાર લઈને સુરતની ઓફિસે બોલાવેલા. તે સમયના સાંકડા મુંબઈ-સુરત હાઇવે પર ગાડી ફૂલ સ્પીડે ચલાવીને સાથે આવેલા પ્રોટોકોલ ઓફિસર અરવિંદ ગાયકવાડને ચાર-સાડાચાર કલાકમાં તો તેણે સુરતના પ્રવેશદ્વારે પહોચાડી દીધેલાં. કડોદરા ચાર રસ્તેથી સ્ટેશન અને ભાગળ  થઈને રાજમાર્ગ પરથી  ચોકબજારની માહિતીખાતાની ઓફિસે પહોંચ્યા પછી  ગાયકવાડે  જે અભિપ્રાય આપેલો  તે સાંભળીને અમે સૌ ખડખડાટ હસેલા.
ગાયકવાડે કહેલું, સાહેબ સુરતમાં પ્રવેશતા જ અહીંના રોકેટની જેમ ઊડતાં બાઇક સવારો, આડેધડ પાર્ક કરેલી કારો, સિગ્નલની પરવા કર્યા વિના ગમેતેમ ઓવર ટેક કરતાં વાહનો, રોડની વચ્ચે ચાલતા રાહદારીઓ અને રખડતા ઢોરોની વચ્ચેથી જેમતેમ કાર ચલાવતો બાજીરાવ લીટરલી પરસેવે રેબઝેબ થઈ ગયેલો અને સોગંદ ખાધા હતા કે, આજ કે બાદ કહીં ભી જાઉંગા પર સુરત કભી નહી આઉંગા. એ બાજીરાવ તો આજે હયાત નથી પણ સુરતના જૂના ટ્રાફિક સાથે જોડાયેલી તેમની આ વાત હંમેશને માટે  યાદ રહી ગઈ છે.
આ નવી વ્યવસ્થાથી ચાલતા વાહને મોબાઈલ પર વાત કરતાં કે મેસેજ કરતાં નમૂનાઓ પણ અંકુશમાં આવશે તેવી આશા રાખવી અસ્થાને નથી.
નવા ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા સુરતને નવી ઓળખ આપવાની સાથો સાથ વાહન ચાલકોને માત્ર શિસ્તના પાઠ જ નહી ભણાવે  પણ  કેટલાય મહામૂલા જીવનો પણ  બચાવશે અને ટ્રાફિક પોલીસનો ગુમાવેલો રૂત્બો પાછો અપાવશે તે સત્ય હકીકત પણ સ્વીકારવી રહી. આપણે પણ એક સારા નાગરિકની જેમ આ કાર્યમાં સહકાર આપીએ તે સમયનો તકાજો છે. સુરતની જનતા સુરતને એક શિસ્તબદ્ધ સિટીની નવી ઓળખ આપનાર ગહલૌત સાહેબનો આ અહેસાન વર્ષો સુધી યાદ રાખશે.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરતના પૂર્વ પો.કમિ. રાકેશ અસ્થાનાએ લોકભાગીદારીમા શહેરભરમા સીસી કેમેરા ઉભા કરવાનુ આયોજન કર્યું હતું અને રાકેશ અસ્થાનાની ઝૂંબેશ તેમના અનુગામી અજયકુમાર તોમરે પણ ચાલુ રાખી સમગ્ર શહેરને સી.સી.કેમેરાની જાળમાં ગુંથી લેવા ઉપરાંત લોકોને પણ ઘર અને સોસાયટીના દરવાજે ફરજિયાત સીસીકેમેરા મુકવાની આદત પાડી દીધી હતી. ફળશ્રુતિ રૂપે મોટાભાગના ગુના ઉકેલવામાં સીસી કેમેરા હંમેશા બાજ નજર જેવા પુરવાર થતા આવ્યા છે. સિગ્નલ વ્યવસ્થા પણ અજયકુમાર તોમર ઉભી કરતા ગયા હતા જ્યારે અનુપમસિંહ ગેહલોતે તેને કાર્યરત કરવાનુ કામ કરીને સુરતીઓને ટ્રાફિક સેન્સમાં લાવવાનો ચમત્કાર કર્યો હતો.
ભૂતકાળમાં ગંદકીનો ઉકરડો ગણાતા સુરતને દેશનું નંબર વન સ્વચ્છ શહેરના સ્થાને લઇ જવાનો ખરો શ્રેય પૂર્વ મ્યુનિ. કમિ. એસ.આર.રાવ જગદીશન, મહાપાત્ર, અલોરિયા અને મેડમ અપર્ણાને આપવો પડે આ બધા પૂર્વ મ્યુનિ. કમિશ્નર્સની મહેનતને પગલે હવે સુરતીઓ વ્યક્તિગત વહેવારમાં સ્વચ્છતાના આગ્રહી બની ગયા છે અને નવી પેઢીને પણ હવે ગંદકી ગમતી નથી મતલબ ‘સ્વચ્છતા’ હવે સુરતીઓનો સ્વભાવ બની ગયો છે. એવી રીતે આગામી સમયમાં ટ્રાફિક સેન્સથી પણ સુરતીઓ ચોક્કસ ટેવાઇ જશે અને સરવાળે સુરત શહેરની વધુ એક શિસ્તમાં વધારો થશે.
Share This Article