Saturday, Nov 1, 2025

ઝારખંડમાં CM હેમંત સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો

2 Min Read

ઝારખંડના સીએમ હેમંત સોરેને તેમના ત્રીજા કાર્યકાળ માટે બહુમતી સાબિત કરી દીધી છે. વિધાનસભામાં તેમની તરફેણમાં ૪૫ વોટ પડ્યા હતા. હવે તેઓ પોતાના ત્રીજા કાર્યકાળમાં મંત્રીમંડળનો વિસ્તાર કરશે. આજે જ લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ રાજભવનમાં તેમના મંત્રીઓ શપથ લેશે. રાજભવનના બિરસા મંડપમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન હેમંત સોરેનના મંત્રીમંડળમાં કયા મંત્રીઓને સ્થાન મળશે તેને લઇને પણ અટકળો શરૂ થઇ ગઇ છે.

ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં બહુમત મેળવ્યો, આજે મંત્રી મંડળનો થશે વિસ્તાર
૮૧ સભ્યોની વિધાનસભામાં કુલ ૪૫ ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. દરમિયાન અપક્ષ ધારાસભ્ય સરયુ રાયે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. આ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ રાંચી વિધાનસભાની બહાર રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, JMM કોટામાંથી બેબી દેવી, હફિઝુલ હસન, દીપક બિરૂવા, મિથિલેશ ઠાકુર, બસંત સોરેન અને બૈજનાથ રામનું નામ મંત્રી બનવાની રેસમાં આગળ છે. આટલું જ નહીં, કોંગ્રેસ કોટામાંથી મંત્રી ધારાસભ્ય બન્ના ગુપ્તા, રામેશ્વર ઉરાંવ, બાદલ પત્રલેખ, ઇરફાન અંસારી, દીપિકા પાંડેય સિંહ, રામચંદ્ર સિંહ ચેરો હેમંત સોરેન કેબિનેટમાં સામેલ થઇ શકે છે. RJDમાંથી સત્યાનંદ ભોક્તાનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હેમંત સોરેનને ૨૮ જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ ૩૧ જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવે તે પહેલા જ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ઝારખંડમાં હાલમાં ૮૧ સભ્યોની વિધાનસભામાં ૭૬ ધારાસભ્યો છે. હેમંત સોરેને 3 જુલાઈના રોજ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જે પછી શાસક જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધને રાજ્યપાલને ૪૪ ધારાસભ્યોની સમર્થન સૂચિ સુપરત કરી હતી

આ પણ વાંચો :-

Share This Article