Thursday, Oct 30, 2025

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતાં તબાહી, કાટમાળમાં દટાઇ જતાં યુવતીનું મોત, અનેક વાહનો વહી ગયા

2 Min Read

ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટવાથી થયેલા વિનાશ બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. થરાલીમાં વાદળ ફાટવાથી પાણીના ધોધથી આવેલા કાટમાળ નીચે દટાઈ જવાથી 20 વર્ષની એક યુવતીનું મોત થયું છે અને અન્ય એક ગુમ થયેલા વૃદ્ધ વ્યક્તિની શોધ ચાલુ છે.

ચમોલી જિલ્લાના થરાલીમાં ગઈકાલે મોડી રાત્રે વાદળ ફાટવાથી થયેલા ભારે વિનાશમાં ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકો એવી જગ્યાએ ફસાયેલા છે જ્યાંથી બહાર નીકળવું શક્ય નથી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુવતીના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. શુક્રવારે મોડી રાત્રે ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં વાદળ ફાટવાથી યુવતી કાટમાળ નીચે દટાઈ ગઇ હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું છે. એક વ્યક્તિ ગુમ થયાની માહિતી મળતાં તેની સલામતી અને સુખાકારીની કામના કરી છે. દરમિયાન, મુખ્યમંત્રીની સૂચના પર, પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

ઘણા વાહનો પણ કાટમાળમાં દટાયા
શુક્રવારે મોડી રાત્રે થરાલી તહસીલ વિસ્તારના ટુનરી ગડેરામાં વાદળ ફાટવાને કારણે થરાલી બજાર અને આસપાસના વિસ્તારોમાં ભારે કાટમાળ પડ્યો હતો. કાટમાળને કારણે SDM નિવાસસ્થાન સહિત ઘણા ઘરોને નુકસાન થયું હતું. દુકાનો કાટમાળથી ભરાઈ ગઈ હોવાથી વેપારીઓને પણ નુકસાન થયું છે. ઘણા વાહનો પણ કાટમાળમાં દટાઈ ગયા છે.

માહિતી મળતાં જ DDRF ટીમ રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRF અને NDRF ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે જવા રવાના થઇ ગઇ હતી. ભારે વરસાદને કારણે કર્ણપ્રયાગ ગ્વાલડમ રોડને ઘણી જગ્યાએ નુકસાન થયું છે. તેને સરળ બનાવવાનું કામ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે.

Share This Article