Monday, Dec 8, 2025

કિશ્તવાડમાં વાદળ ફાટ્યું : CISFના બે જવાન સહિત 50થી વધુ લોકોના મોત

3 Min Read

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યાના એક અઠવાડિયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુદરતે કહેર મચાવ્યો છે. કિશ્તવાડ જિલ્લામાં માચૈલ માતા યાત્રાના રૂટ પર વાદળ ફાટ્યા બાદ આવેલા પૂરમાં ભારે વિનાશ સર્જાયો છે. આ ઘટનામાં અત્યાર સુધી 50થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં CISFનાં બે જવાનો પણ સામેલ છે. ઘણા ઘરો અને પુલોને પાણીમાં નુકસાન થયું છે.

હજી પણ ઘણા લોકો ફસાયેલા હોવાથી રાહત અને બચાવ કાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે. ચોસીટી ગામમાં રાત પડતાં બચાવકર્તાઓએ ભારે જહેમત બાદ કાટમાળના ઢગલા નીચેથી 167 લોકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી 38 લોકોની હાલત ગંભીર છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

માચૈલ માતા મંદિર તરફ જવાના માર્ગ પર આવેલા ચોસીટી ગામમાં ગુરુવારે બપોરે 12થી 1 વાગ્યાની વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ હતી. 25 જુલાઈથી શરૂ થયેલી અને 5 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થનારી વાર્ષિક માચૈલ માતા યાત્રા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 9500 ફૂટની ઊંચાઈ પર સ્થિત મંદિર સુધીનો 8.5 કિલોમીટરનો ટ્રેક ચોસીટીથી જ શરૂ થાય છે. આ દુર્ઘટના બાદ માચૈલ માતાના મંદિરની વાર્ષિક યાત્રા સ્થગિત કરવામાં આવી છે. એટલું જ નહીં, સીએમ ઓમર અબ્દુલ્લાએ પોતાના કાર્યક્રમો રદ કર્યા છે. અબ્દુલ્લાએ જણાવ્યું કે, અમે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન ‘એટ હોમ’ ચા પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ભાષણ વગેરે યોજના મુજબ થશે.

ચોસીટી ગામ કિશ્તવાડ શહેરથી લગભગ 90 કિલોમીટર દૂર છે. વાદળ ફાટવાના કારણે યાત્રા રૂટ પર લંગર લેતા ભાવિકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં, દુકાનો અને સુરક્ષા ચોકી સહિત અન્ય માળાખાઓને મોટું નુકસાન થયું હતું. કાટમાળના તીવ્ર પ્રવાહમાં રસ્તામાં આવેલી દરેક વસ્તુઓ નાશ પામી હતી. ઘરો પત્તાના ઢગલાની જેમ ધરાશાયી થયા હતા. મોટા પથ્થરો ખસીને નીચે આવ્યા હતા અને રસ્તા અવરોધિત કર્યા હતા. ભૂસ્ખલનને કારણે લીલોછમ વિસ્તાર થોડીવારમાં જ કાદવમાં ફેરવાઈ ગયો હતો.

લોકો સાથે મારી સંવેદના અને પ્રાર્થના: પીએમ મોદી

પીએમ મોદીએ X પર જણાવ્યું કે, કિશ્તવાડમાં વાદળ ફાટવા અને પૂરથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે મારી સંવેદના અને પ્રાર્થના છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી હતી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે હું અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે ગુમ થયેલા લોકો જલ્દી મળે.

Share This Article