સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના પીપોદરા GIDCમાં કાપડના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા બે ઈસમો કાપડ વેપારી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. વેપારી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીવાયએસપી આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું કે કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિના લગભગ સવા 9 વાગ્યાના અરસામાં ઉગ્ર શાહુ નામના વ્યક્તિ જેઓ ઓરિસ્સા ગંજામના વતની છે અને પોતાની રેડીમેઈડ કાપડની દુકાન આજ વિસ્તારમાં ધરાવે છે. તેઓ મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા તે વખતે એક બાઈક પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા અને પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ ફાયર કરેલા છે.
વધુમાં જણાવ્યું હતું કે આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર શાડુ નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, તેઓને પેટ અને પીઠના ભાગે ગોળી વાગી છે. તેઓને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. બનાવ સ્થળ પર કોસંબા, એલ.સી.બી. અને એસ.ઓ.જી. અને કિમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે અને આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. બનાવ વાળી જગ્યા પરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસ ફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે. હાલમાં આ બનાવનું કારણ અને કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે તેની હાલ હકીકત મળી નથી, પરંતુ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.