જમ્મુ કાશ્મીરના કુપાવડા જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી મુજબ, આ અથડામણમાં પાંચ જવાનો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત નાજુક છે. જ્યારે જવાનોએ એક આતંકીને ઠાર માર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આજે શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીકના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી.

અહેવાલ અનુસાર,ભારતીય સેના દ્વારા કુપવાડા સેક્ટરના કુમકડી વિસ્તારમાં પાકિસ્તાન આર્મીની બોર્ડર ઍક્શન ટીમ(BAT) દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાની SSG સહિત 3-4 આતંકીઓએ BAT ઑપરેશન માટે એલઓસી પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન એક આતંકવાદી ઠાર થયો હતો. જ્યારે એક જવાન શહીદ અને ચાર ઘાયલ થયા છે, જેમાંથી એક જવાનની સ્થિતિ ગંભીર છે.
મહત્ત્વપૂર્ણ છે કે, જમ્મુ ક્ષેત્રમાં ફરી એકવાર આતંકી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો, પરંતુ હવે ફરી એકવાર અહીં આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. વધુમાં, ઓક્ટોબર 2021માં પૂંછ અને રાજૌરીના જોડિયા સરહદી જિલ્લાઓમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ફરી ઉભી થઈ છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓ વધી છે. 2021થી જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ઘટનાઓમાં 50થી વધુ સુરક્ષા કર્મચારીઓ (મોટાભાગે આર્મીના) સહિત 70 થી વધુ લોકો માર્યા ગયા છે.
આ પણ વાંચો :-