વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા ‘અંડર-11 એથ્લેટિક્સ મીટ સિઝન 4.5’નો પ્રારંભ થયો છે. તા.૯ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન આયોજિત આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજ્યના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમની સુષુપ્ત ખેલ પ્રતિભાને વૈજ્ઞાનિક ઢબે ઉજાગર કરવાનો છે.
આ પ્રસંગે VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ રાજ્ય સરકારની સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાની નીતિની સરાહના કરતા જણાવ્યું કે, દેશ જ્યારે ઓલિમ્પિક માટેની સઘન તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓને તૈયાર કરવાની દિશામાં અંડર-11 એથ્લેટિક્સ મીટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વૈશ્વિક સ્પર્ધા માટે નાનપણથી જ યોગ્ય માર્ગદર્શન અને તક ઉપલબ્ધ કરાવવી અનિવાર્ય છે. જેના પરિણામે ભવિષ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર થાય છે.
આ સ્પર્ધામાં અંડર-9 અને અંડર-11 એમ બે વયજૂથમાં ભાઈઓ અને બહેનોની અલગ કેટેગરીમાં 60 મી., 100 મી., 200 મી. અને 400 મી. દોડ, હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો જેવી ૧૧ રમતોનો સમાવેશ થાય છે.
આ સિઝનના પ્રથમ દિવસે અં-૧૧ બહેનોની વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યની વિવિધ શાળાઓની 982 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
ઉલ્લખનીય છે કે, તા.10 જન્યુઆરીએ અં-9 ભાઈઓ, રવિવારને તા.૧૧મીએ અં-૧૧ ભાઈઓ અને તા.12મીએ અં-9 બહેનોની પ્રતિસ્પર્ધા યોજાશે. વિજેતા 1,056 વિદ્યાર્થીઓને કુલ રૂ. 22 લાખનું ઇનામ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા લેવાતી DLSS-ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષા આપવાની સીધી તક મળશે.