Saturday, Sep 13, 2025

નસીબના બળિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહીવટના પણ બળિયા પુરવાર થયા

8 Min Read

ભૂપેન્દ્ર પટેલ કેવી સરકાર ચલાવશે? લોકોની ધારણાઓ ખોટી પડી, શાસનના ચાર વર્ષ સડસડાટ પૂરા થઈ ગયાં!

વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના પીઠબળ વચ્ચે ‘દાદા’એ અનેક કાયદાઓનું સરળીકરણ કરવા સાથે ટનાટન સરકાર દોડાવી

૨૦૨૧ના વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે પણ કલ્પના કરી નહોતી કે તેઓ ‘મુખ્યમંત્રી’ બનશે, પરંતુ નેતાગીરીએ સત્તાનો કળશ ઢોળી મુખ્યમંત્રી બનાવવાનો કરેલો નિર્ણય ‘દાદા’એ સાર્થક કરી બતાવ્યો

માળખાગત વિકાસનાં કામો, વેપાર, ઉદ્યોગનું આધુનિકરણ, નવા ઉદ્યોગોની સ્થાપના, કાયદાનું સરળીકરણ, આ બધું કરવા સામે રાજ્યમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ બરાબર ગણી શકાય

ખરેખર નસીબના બળિયા પુરવાર થયેલા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદે સતત ચાર વર્ષ પૂરા કર્યા. ભૂપેન્દ્ર પટેલને સપનામાં પણ ખ્યાલ નહોતો કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે, પરંતુ કંઈક નવું કરવા ટેવાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે કોઈ ચમત્કાર થતો હોય એ રીતે ભૂપેન્દ્ર પટેલને બધાની વચ્ચેથી ઊંચકીને મુખ્યમંત્રી પદે બેસાડી દેતા રાજકીય ક્ષેત્રે અને ગુજરાતના લોકો અને ખુદ ભાજપ પક્ષમાં ભારે હલચલ મચી ગઈ હતી. લોકો માનતા હતા કે ભૂપેન્દ્ર પટેલ કેવી રીતે સરકાર ચલાવશે? થોડા દિવસોમાં કારભાર ખુલ્લો પડી જશે, પરંતુ ભૂપેન્દ્ર પટેલ પાકા ખેલાડી પુરવાર થયા અને ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક પાટીદાર મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કરી દીધો.

અલબત્ત, ભૂપેન્દ્ર પટેલની એક મુખ્યમંત્રી તરીકેની સફળતા પાછળ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌ટિલનું પીઠબળ ખરેખર કારગત રહ્યા હતા. મતલબ કોઈ ધારાસભ્ય કે પક્ષનું મોટું માથું કોઈક ગરબડ કે વિરોધ કરવાનો પ્રયાસ કરે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતા કરવા જેવું હતું નહીં અને છે પણ નહીં. વડાપ્રધાન મોદી અને અમિત શાહની દેશના રાજકીય અને વહીવટી કામકાજમાં વ્યસ્તતા વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌ટિલે બાજી સંભાળી લીધી હતી અને સંભાળી રહ્યા છે. આ તરફ સી.આર. પા‌ટિલે પણ પ્રદેશ અધ્યક્ષ પદે પાંચ વર્ષ પુરા કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. રોજબરોજ અફવાઓ ઊઠતી રહે છે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતનું નેતૃત્વ સી.આર. પા‌ટિલ સિવાય કોઈને સોંપવા ઈચ્છતું નથી. અન્યથા ક્યારના પ્રદેશપ્રમુખ બદલાઈ ચૂક્યા હોત.સી.આર. પા‌ટિલ પણ ખરેખર નસીબના બળિયા છે. તેમના આકરા અને શિસ્તબદ્ધ વહીવટને કારણે ઘણા લોકો ઈચ્છતા હશે કે સી.આર. પા‌ટિલને બદલવામાં આવે. પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ વાતની ખબર છે કે, ગુજરાત સરકાર અને સંગઠનમાં બદલાવ કરવાનું કામ આસાન નથી. ગુજરાતમાં પક્ષની જમીની હકીકતથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વાકેફ છે. વળી ગુજરાતને અકબંધ જાળવી રાખવાનું કામ પણ એટલું જ આવશ્યક છે.પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને ખસેડીને ગત તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ચમત્કારિક રીતે પક્ષના નેતૃત્વએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સાવ અચાનક પસંદગી કરી હતી. એ દિવસની પક્ષની બેઠકમાં મોઢામાં સોપારી મમળાવતા, મમળાવતા વચ્ચેની હરોળમાં બેઠેલા ભૂપેન્દ્ર પટેલને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આજના દિવસે તેમના નસીબમાં ‘રાજગાદી’ની ઘોષણા થવાની છે! પક્ષના નેતૃત્વએ આદેશ કરીને ભૂપેન્દ્ર પટેલને પ્લેટફોર્મ ઉપર બોલાવ્યા ત્યારે તેઓ ખુદ વાત માનવા તૈયાર નહોતા. કારણ કે પક્ષમાં તેમના કરતા પણ સિનિયર નેતાઓની આખી ફોજ હતી.

સ્ટેજ ઉપર પહોંચતા સુધીમાં તેમણે પોતાની જાતને પૂછી લીધું હતું કે, ‘તેમણે સાંભળેલી જાહેરાત ખરેખર સાચી છે?’ પરંતુ જાહેરાત સાચી હતી અને ભૂપેન્દ્ર પટેલે ‘દાદા ભગવાન’નું સ્મરણ કરીને પક્ષના નેતૃત્વએ કરેલા નિર્ણયને વધાવી લીધો હતો અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.ખાસ કરીને અમદાવાદ અને ગુજરાત ભાજપમાં ભૂપેન્દ્ર પટેલને લોકો ‘ભૂપેન્દ્ર દાદા’ તરીકે ઓળખે છે. પરંતુ તેમના સફળ નેતૃત્વને પગલે હવે ક્રમશઃ ભૂપેન્દ્ર દાદા તરીકેની ઓળખ ભુલાઈ રહી છે. આ ઉપરાંત ચાર વર્ષનાં સફળ શાસનના અંતે આજકાલ ભૂપેન્દ્ર પટેલમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. તેમનો આત્મવિશ્વાસ બેવડાવવા સાથે જાણે ફરી યુવાનીનો દોર શરૂ થયો છે અને ચહેરા ઉપર સતત સ્મિત દેખાઈ આવે છે. અલબત્ત, તેઓ ક્યારેક એવું કહે પણ છે કે, ‘આપણને ક્યાં ખબર હતી કે આપણે મુખ્યમંત્રી બનીશુ.’

ખરે, ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ વ્યક્તિના પ્રાણ અને પ્રકૃતિ બદલાતી નથી. ભૂપેન્દ્ર પટેલ ઇચ્છે તોપણ તેમના સ્વભાવમાં ગુસ્સો, આક્રમકતા લાવી શકવાના નથી. કદાચ તેમનો કુદરતી સ્વભાવ તેમની રાજકીય સફળતા માટેનું કારણ હોઈ શકે. તેમના સ્વભાવમાં સત્તા મેળવવા માટે ક્યારેય સ્પર્ધામાં ઊતરવાનું લખાયેલુ નથી તો બીજી તરફ તેમનાથી જુનિયર મંત્રી તેમના કરતા પણ વધારે સક્રિય, નિર્ણાયક થવાનો દેખાવ કરતા હોય તો તેમની ભૂપેન્દ્ર પટેલને ઈર્ષા નથી. આ સ્વભાવને કારણે ભૂપેન્દ્ર પટેલને ક્યારેક ‘નબળા’ મુખ્યમંત્રી કહેવાનું મન થાય. પરંતુ સાથે તેમની નિર્દોષતાના કારણે માફ કરી દેવાનું પણ મન થઈ આવે.ભૂપેન્દ્ર પટેલે વીતેલા ચાર વર્ષમાં ‘મૂક’ મને કરોડો રૂપિયાના વિકાસના કામો કર્યા. અનેક કાયદાઓનું સરળીકરણ પણ કર્યું. ચાર વર્ષ પહેલાની ગુજરાત સરકારની સ્થિતિ અને આજની ગુજરાત સરકારની વહીવટી સરળતાની સ્થિતિ સાવ જુદી અનુભવવા મળે છે. ભાજપની વિચારધારામાં પણ નહીં માનનાર વ્યક્તિએ સ્વીકારવું જ પડે કે ગુજરાત સરકારનાં વહીવટમાં સરળીકરણ ચોક્કસ થવા પામ્યું છે.ગુજરાત સરકારની મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. સૌથી જ‌િટલ ગણાતા મહેસૂલ વિભાગની સેવાઓને ભૂપેન્દ્ર પટેલે સૌથી વધારે પ્રાધાન્ય આપીને કાયદાને વધુ ને વધુ સરળ બનાવવાના પ્રયાસો કર્યા છે અને પરિણામે ગામડામાં રહેતા માણસનું કામ ગ્રામ પંચાયતમાં જ પૂરું થઈ જાય છે. પરિણામે જો સૌથી ખુશ હોય તો એ છેવાડાનો માણસ છે. આ ઉપરાંત સદ્‍ગત વિજય રૂપાણીએ જમીનના કેસમાં ૪૦ ટકા સમાન કપાત દર લાગુ કરવામાં અને ચાલુ રાખવામાં ભૂપેન્દ્ર પટેલ વધુ નિર્ણાયક રીતે આગળ વધ્યા હોવાથી ભ્રષ્ટાચારનાં સૌથી મોટા ઉપદ્રવ ગણાતા મહેસૂલ મંત્રાલયના રસ્તા આસાન બની ગયા છે.

દાદા ભગવાને તક આપી છે તો રાજ્યની પ્રજા માટે સુખાકારીના કામ કરી લેવા ભૂપેન્દ્ર પટેલે હામ ભીડી છે. ખરેખર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલના નજીકના કોઈ જ સલાહકાર નથી. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને સી.આર. પા‌ટિલ તેમના માટે સર્વોપ‌િર છે. કારણ, આ ત્રણે નેતાઓને ધરતી ઉપરની વાસ્તવિકતાની ખબર છે અને એટલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે આ ત્રણ નેતાઓનો મત તેમના માટે સર્વોપ‌િર છે.એક હકીકત એ પણ છે કે, થોડા થોડા સમયે કેટલાક તકસાધુઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રી મંડળ બદલાઈ રહ્યું હોવાની સોશિયલ મીડિયા ઉપર જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ કેન્દ્રીય નેતૃત્વની ઇચ્છા હશે ત્યાં સુધી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીની ગાદીએથી ઉઠાડવાની કોઈ શક્યતા દેખાતી નથી. અન્યથા ચાર વર્ષનો સમયગાળો ખૂબ જ લાંબો કહી શકાય.

પરંતુ એક હકીકત છે કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારના પ્રમાણમાં જબરજસ્ત વધારો થયો છે. કદાચ સરકારમાં બેઠેલા લોકો આ વાતનો સ્વીકાર નહીં, પરંતુ નજર સામેની હકીકતને કઈ રીતે છુપાવી શકાય. કારણ, ગમે તે હોય પરંતુ ભ્રષ્ટાચારનો દાનવ વધુ મોં ફાડીને વિકરાળ બની રહ્યો છે. સરકારી સેવાઓ ઓનલાઈન કર્યા પછી પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીને નાથવામાં સરકાર ક્યાંક નિષ્ફળ નીવડી છે. ભાજપ માટે ગુજરાત ‘પ્રયોગશાળા’ છે અને આ પ્રયોગશાળાને સલામત રાખવી હશે તો ભ્રષ્ટાચારના દૈત્યને ચોક્કસ નાથવો પડશે જ. છુટાછવાયા એકલદોકલ અધિકારી, કર્મચારીને ACBની ઝાળમાં સપડાવી દેવાથી વકરી ગયેલા બેખૌફ ભ્રષ્ટાચારનો અંત નહીં આવે. ભ્રષ્ટાચાર ઉપરાંત અધિકારીઓની બેજવાબદારી અને પોલીસની બિનજરૂરી કડકાઈ સામે પગલાં નહીં ભરાય તો સરવાળે ભાજપને જ નુકસાન થશે.

Share This Article