છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે માઓવાદી વિરોધી કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફના કોબ્રા યુનિટની 210મી બટાલિયનના બહાદુર જવાન કોન્સ્ટેબલ સોલંકી મેહુલભાઈ નંદલાલ શહીદ થયા હતા. આ ઉપરાંત, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં એક નક્સલવાદીને ઠાર માર્યો હતો અને તેની પાસેથી એક હથિયાર પણ જપ્ત કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી જિલ્લાના ઉસૂર પોલીસ સ્ટેશન હેઠળના તુમરેલ વિસ્તારમાં ચાલી રહી છે, જેમાં સીઆરપીએફની કોબ્રા યુનિટ, છત્તીસગઢ પોલીસની ડીઆરજી અને એસટીએફના જવાનો જોડાયેલા છે. અથડામણ દરમિયાન એક કોબ્રા કમાન્ડો ઘાયલ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે. શહીદ થયેલા કોન્સ્ટેબલ સોલંકી મેહુલભાઈ નંદલાલ ગુજરાતના ભાવનગરના સિહોરના દેવગાણા ગામ વતની હોવાની વિગતો છે.