છત્તીસગઢમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સક્તી જિલ્લામાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના ઉચ્ચપિંડા ગામના ડભરા વિસ્તારમાં આવેલા આરકેએમ પાવરજેન પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટમાં બની છે.
માહિતી મુજબ મજૂરો બોઇલર મશીનની મરામત માટે ઊંચાઈ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક લિફ્ટનો સ્ટીલ વાયર તૂટી ગયો અને લિફ્ટ નીચે પડી ગઈ. ઘટના એટલી ભયાનક હતી કે બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બે અન્ય મજૂરોએ સારવાર દરમિયાન દમ તોડ્યો.
ગંભીર રીતે ઘાયલ મજૂરોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. અકસ્માતની જાણ થતાં જ એડિશનલ એસપી હરીશ યાદવ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે લિફ્ટ તૂટવાથી ત્રણ મજૂરોનાં મોત થયા છે અને સાતથી વધુ ઘાયલ છે. તમામ ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. સ્થળ પર શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દળની તૈનાતી કરવામાં આવી છે.