Saturday, Sep 13, 2025

તથ્ય વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર, ૫૦થી વધારે લોકોના લેવાયા નિવેદન

2 Min Read
  • અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ શકે છે. આરોપી તથ્ય પટેલે ૧૯ જુલાઈએ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારીને ૯ લોકોને કચડી માર્યા હતા.

એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસ આજે ૫ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી શકે છે. આ કેસમાં કલમ 308નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. પોલીસે તથ્ય પટેલ, પ્રજ્ઞેશ પટેલ, તથ્યના મિત્રો સહિત કુલ ૫૦ લોકોથી વધુના નિવેદન લેવાયા છે.. ચાર્જશીટમાં FSL, DNA અને જેગુઆર કંપનીના રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસે સમગ્ર રૂટ પરના CCTV ફૂટેજ પણ પુરાવા તરીકે મૂક્યા છે. આ ઉપરાંત તથ્ય પટેલે ઈસ્કોન પહેલા કરેલા અન્ય ૨ અકસ્માતોની વિગતોનો પણ ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે આ કેસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે તથ્ય પટેલના ૨૪ જુલાઈએ સાંજે ૪ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. આજે જ્યારે ઈસ્કોન અકસ્માત કેસમાં તથ્યને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પોલીસે આગળના રિમાન્ડ ન માંગતા તેને હવે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તથ્યને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

 

Share This Article