ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગના નિયમ બદલાયા છે. પશ્ચિમ રેલવેએ ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવનારા વપરાશકર્તાઓ માટે નવો નિયમ લાગુ કર્યો છે. નવા ફેરફાર અનુસાર, હવે તત્કાલ ટિકિટ બુક કરવા માટે પેસેન્જરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) નું વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે.
ટ્રેનની તત્કાલ ટિકિટ માટેના નવા નિયમ 1 ડિસેમ્બરની મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમલમાં આવી ગયા છે અને આઇઆરસીટીસીની વેબસાઇટ, રેલ્વે કાઉન્ટર, અધિકૃત એજન્ટો અને મોબાઇલ એપ્લિકેશન સહિત તમામ બુકિંગ ચેનલો પર ઉપલબ્ધ છે. એટલે કે નિયમ ખૂબ જ સ્પષ્ટ છે કે તમે ઓફલાઈન કે ઓનલાઇન તત્કાલ ટિકિટ બુક કરાવશો, ઓટીપી વેરિફિકેશન વગર બુકિંગ નહીં થાય.
પશ્ચિમ રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવેલા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) ની ચકાસણી પછી જ તત્કાલ ટિકિટ જારી કરવામાં આવશે. આ ઓટીપી બુકિંગ સમયે પેસેન્જર દાખલ કરશે તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે અને ઓટીપીની સફળતાપૂર્વક ચકાસણી થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.”
રેલવેએ મુસાફરોની સુવિધા વધારવા માટે OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ નવીનતા તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે. સૌપ્રથમ, જુલાઈ 2025માં ઓનલાઈન તત્કાલ ટિકિટો માટે આધાર આધારિત પ્રમાણીકરણ શરૂ કરાયું હતું. ત્યારબાદ, ઓક્ટોબર 2025માં તમામ જનરલ રિઝર્વેશનની ફર્સ્ટ-ડે બુકિંગ માટે OTP આધારિત ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ બંને સિસ્ટમ મુસાફરો દ્વારા સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે, જેનાથી રિઝર્વેશન પ્રક્રિયામાં પારદર્શિતા અને સગવડ વધી છે.
નવા OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમને હવે બાકીની તમામ ટ્રેનો પર લાગુ કરવામાં આવશે. રેલવેનું માનવું છે કે આ પગલું ટિકિટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા, મુસાફર સુવિધા અને સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. દલાલો પર નિયંત્રણ આવતા, ખરેખર જરૂરિયાતમંદ સામાન્ય મુસાફરોને અંતિમ મિનિટોમાં પણ સરળતાથી તત્કાલ ટિકિટ મળી શકશે, જે લાંબા સમયથી પ્રવાસીઓની મુખ્ય માંગ રહી છે.