ઈરાન યુદ્ધનાં પરિણામે દુનિયામાં ઈંધણની કટોકટી સર્જાવા લાગી છે. જેમાં ભારતમાં રાંધણગેસની અછતનાં અણસાર વર્તાવા લાગ્યા છે. રાંધણ ગેસનાં ભાવમાં વધારા બાદ હવે તંગીની સ્થિતિમાં સંગ્રહખોરી અને કાળાબજારને પણ કાબૂમાં રાખવા માટે સરકાર તરફથી આજે મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. એલપીજીનાં બૂકિંગની સમય અવધિ હવે 21 દિવસથી વધારીને 25 દિવસ કરી નાખવામાં આવી છે.
ગેસનાં એક સિલિન્ડરની ડિલિવરી થયા બાદ 25 દિવસ પહેલા બીજો બાટલો બૂક કરાવી શકાશે નહીં. સામાન્ય સંજોગોમાં પપ દિવસે બાટલો નોંધાવતા હોય તેવા લોકો પણ 15 દિવસ પછી તરત જ બીજો સિલિન્ડર નોંધાવતા થઈ ગયા હોવાનાં કિસ્સાઓ સામે આવ્યા બાદ નિયમમાં આ સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલ-ડીઝલનાં ભાવ માટે એવું જાણવા મળે છે કે, જ્યાં સુધી ક્રૂડ ઓઈલનો ભાવ 130 ડોલર પ્રતિ બેરલથી વધશે નહીં ત્યાં સુધી દેશમાં ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત સરકારે રિફાઈનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ પણ અગાઉ આપેલો છે. કંપનીઓને કોમર્શિયલને બદલે રાંધણગેસનાં પુરવઠા ઉપર વધુ ધ્યાન આપવાની સૂચના પણ અપાઈ છે. અખાતનાં દેશોમાંથી ગેસનો પુરવઠો ખોરવાતા સરકારે હવે એલપીજી માટે અન્ય દેશો તરફ પણ નજર દોડાવવા માંડી છે. આનાં માટે અલ્જીરિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, નોર્વે જેવા દેશો તરફથી ભારતનો સંપર્ક પણ સાધવામાં આવ્યો છે.