ધ્વજારોહણ કરતા પહેલા, PM મોદીએ મોહન ભાગવત સાથે મંદિરના પહેલા માળે રામ દરબારમાં પૂજા અને આરતી કરી. ત્યારબાદ તેમણે રામલલ્લાના દર્શન કર્યા. પીએમ રામલલ્લા માટે વસ્ત્રો લઈને પહોંચ્યા હતા. પીએમએ સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધીનો 1.5 કિમી લાંબો રોડ શો પણ કર્યો હતો.
આ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓએ કાફલા પર ફૂલોનો વરસાદ કર્યો અને વિવિધ સ્થળોએ મહિલાઓએ તેમનું સ્વાગત કર્યું. અગાઉ એવી ચર્ચા હતી કે અમિતાભ બચ્ચન સહિત અનેક સેલિબ્રિટીઓને ધ્વજવંદન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ આવ્યું નહીં.
મંદિર સંકુલમાં ચાર શંકરાચાર્યો સિવાય દેશભરના મઠોના સંતો હાજર હતા. શહેરને 1,000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં 5-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ATS, NSG, SPG, CRPF અને PAC ના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. રામલલ્લાએ આજે સોના અને રેશમના દોરાથી ભરતકામ કરેલા પીતાંબર વસ્ત્ર પહેર્યા હતા.
આજે 500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સિયાવર રામચંદ્ર કી જય…’ના ઉદ્ઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું, કે ‘આજે અયોધ્યા નગરી દેશની સાંસ્કૃતિક ચેતનાના વધુ એક ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની છે. આજે સંપૂર્ણ ભારત અને અને સંપૂર્ણ વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં આજે અદ્વિતીય સંતોષ અને અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘા હવે રુઝાઈ રહ્યા છે. સદીઓની વેદનાને આજે વિરામ મળી રહ્યો છે. સદીઓના સંકલ્પ આજે સિદ્ધ થઈ રહ્યા છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી.
મોદીએ કહ્યું- સત્યનો વિજય, અસત્યનો નહીં
પીએમ મોદીએ કહ્યું, “ધ્વજ ‘સત્યમેવ જયતે’ના નારાને જગાડશે, જેનો અર્થ છે કે સત્યનો વિજય, અસત્યનો નહીં. આ ધ્વજ એ વાતનું પ્રતીક હશે કે સત્ય બ્રહ્મનું સ્વરૂપ છે.” ધર્મ સત્ય પર આધારિત છે. આ ધ્વજ આપણને આપણને પ્રેરણા આપશે, કે પ્રાણ જાય પણ વચન નહીં. ભારતના કણ-કણમાં રામ છે. દરેક ખૂણે ગુલામીની માનસિકતા ઘર કરી ગઈ છે. નૌકાદળના ધ્વજ પર એવા પ્રતીકો બન્યા હતા, જેનો આપણા વારસા સાથે કોઈ સંબંધ નહોતો. આપણે ગુલામીના પ્રતીકને હટાવ્યું છે. રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવતાની સાથે, રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને હાથ જોડીને ધ્વજને નમન કર્યું હતું.
2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં મહિલા, દલિત, આદિવાસી, યુવા, ખેડૂતો, શ્રમિક સહિત દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. દરેક સેક્ટર સશક્ત થશે ત્યારે સંકલ્પની સિદ્ધિમાં સૌ કોઈના પ્રયાસ લાગશે. આપણે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું જ પડશે. આપણે આગામી 1 હજાર વર્ષો માટે ભારતનો પાયો મજબૂત કરવો છે. જે માત્ર વર્તમાનનું વિચારે તે આગામી પેઢી સાથે અન્યાય કરે છે. આપણે નહોતા ત્યારે પણ દેશ હતો અને જ્યારે આપણે નહીં હોઈએ ત્યારે પણ દેશ રહેશે.
સીએમ યોગી બોલ્યા- પેઢીઓની પ્રતીક્ષા સાકાર થઈ
સીએમ યોગીએ કહ્યું કે ધ્વજારોહણ યજ્ઞની પૂર્ણાહુતિ નથી, પરંતુ નવા યુગનો શુભારંભ છે. ભાજપ સરકાર બન્યા પછી 2014માં જે સંભાવના, સંકલ્પ અને વિશ્વાસનો સૂર્યોદય થયો હતો, આજે તે જ તપસ્યા અને અગણિત પેઢીઓની પ્રતીક્ષા સાકાર થઈ. શ્રીરામ મંદિર પર ફરકતો કેસરિયો ધ્વજ ધર્મ, મર્યાદા, સત્ય-ન્યાય અને રાષ્ટ્રધર્મનું પણ પ્રતીક છે. સંકલ્પનો કોઈ વિકલ્પ હોતો નથી.
બધાએ 11 વર્ષમાં બદલાતા ભારતને જોયું છે. 500 વર્ષમાં સામ્રાજ્યો બદલાયા, પેઢીઓ બદલાઈ, પરંતુ શ્રદ્ધા અડગ રહી. શ્રદ્ધા ન ઝૂકી, ન અટકી. જન-જનનો વિશ્વાસ અટલ હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા સંગઠનના હાથમાં કમાન આવી ત્યારે દરેક મોઢેથી એક જ ઉદ્ઘોષ નીકળતો હતો- રામલલ્લા અમે આવીશું, મંદિર ત્યાં જ બનાવીશું. લાકડીઓ-ગોળીઓ ખાઈશું, પણ મંદિર ત્યાં જ બનાવીશું.’