તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર પર બ્લૅકમેઇલિંગનો આરોપ લગાવ્યો છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે મંત્રીઓને ‘બ્લૅકમેઇલ’ કરવા માટે કેન્દ્ર સરકાર 130મું બંધારણીય સુધારણા બિલ લાવી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 130મું બંધારણીય સુધારણા બિલ, 2025 રજૂ કર્યું છે. આ બિલમાં ભ્રષ્ટાચાર અથવા ગંભીર કેસમાં ઓછામાં ઓછા 30 દિવસ માટે કસ્ટડીમાં લેવાયા હોય અથવા ધરપકડ કરવામાં આવ્યા હોય તેવા કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓને હઠાવવાની જોગવાઈ છે.
તેજસ્વી યાદવે આ વિશે કહ્યું કે “(કેન્દ્ર સરકાર) આ (બિલ) નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ માટે લાવી રહી છે. આ લોકોનું આ જ કામ છે. બ્લૅકમેઇલ કરો. ઈડીના કેસમાં પીએમએલએ ઍક્ટ લગાવાય, તો ઝડપથી જામીન નથી મળતા. આ બધા ટૉર્ચર કરવાનું કામ કરે છે.”
કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ ચાલુ છે. તેના વિશે આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે આ યાત્રામાં લોકોનો ટેકો મળ્યો છે.