Friday, Apr 10, 2026

CBSEનો નવો નિયમ: ધોરણ 6થી ત્રીજી ભાષા ફરજિયાત, શાળાઓને 7 દિવસની મુદત

3 Min Read

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ‘ત્રીજી ભાષા'(R3) ભણવી અનિવાર્ય બનશે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના સર્ક્યુલર અનુસાર, તમામ સંબધિત શાળાઓને આગામી 7 દિવસમાં આ આદેશનો અમલ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023′(NCF-SE) પર આધારિત આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્ય, સાંસ્કૃતિક સમજ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર અભ્યાસક્રમ હજુ ઉપલબ્ધ ન હોવા છતાં, શિક્ષણ કાર્ય તાત્કાલિક શરૂ કરવું ફરજિયાત છે.

પુસ્તકો વગર જ શિક્ષણ કાર્ય શરૂ કરવા આદેશ
શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી પાઠ્યપુસ્તકો જાહેર ન થાય ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અભ્યાસ સામગ્રીનો ઉપયોગ કરીને ભણાવવાનું શરૂ કરી દેવું. આ માટે શાળાઓએ પસંદ કરેલી ભાષાની વિગતો OASIS પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે અને પ્રાદેશિક કચેરીઓને પણ આ અંગે જાણ કરવાની રહેશે. નોંધનીય છે કે ધોરણ 6માં જે ભાષાની પસંદગી કરવામાં આવશે, તે જ ભાષા ધોરણ 9 અને 10માં પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ રહેશે. CBSEના પ્રાદેશિક અધિકારીઓ આ અમલીકરણની પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે અને ડેટા એકત્ર કરશે.

શું છે ત્રિભાષા(R3) મોડેલ?
ત્રિભાષા(R3) મોડેલ મુજબ, ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે. આ મોડેલની સૌથી મહત્ત્વની શરત એ છે કે પસંદ કરવામાં આવેલી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતીય મૂળની હોવી જોઈએ, જ્યારે ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી અથવા કોઈપણ વિદેશી ભાષાની પસંદગી કરી શકાશે. આ નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર રીતે લાગુ કરીને વર્ષ 2031ની બોર્ડ પરીક્ષા સુધીમાં સંપૂર્ણપણે પ્રભાવી બનાવવાની યોજના છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં બહુભાષવાદ અને વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યેનો આદર વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડે R1, R2, R3થી ત્રણ લેગ્વેજ ફોર્મ્યુલા બનાવી છે…
R1(Language 1):
આમાં તે ભાષાનો સમાવેશ કરાયો, જે બાળક વધુ જાણે છે(જેમ કે ગુજરાતી) આ ભાષાને ઉચ્ચ સ્તરે ભણાવવામાં આવશે.
R2(Language 2): આમાં સ્ટાન્ડર્ડ લેવલની બીજી ભાષાનો સમાવેશ કરાયો છે અને આ ભાષા મધ્ય સ્તરે ભણાવવામાં આવશે.
R3(Language 3): આમાં નવી ફરજિયાત ભાષા સામેલ છે, જેની ધોરણ-6થી શરૂઆત થશે.

અંગ્રેજી હવે વિદેશી ભાષા ગણાશે
સૌથી ચોંકાવનારો ફેરફાર એ છે કે, નવા નિયમોમાં અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી છે. આનો અર્થ એ થયો કે, જો તમે બાળકને અંગ્રેજી ભણાવવા ઈચ્છો તો તેણે બે ભારતીય ભાષા (જેમ કે હિન્દી-ગુજરાતી અથવા હિન્દી-મરાઠી) ફરજિયાત પસંદ કરવી પડશે.

Share This Article