દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના સહ-પ્રભારી ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે CBIએ દરોડા પાડ્યા છે. CBIએ આ દરોડા ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટથી જોડાયેલા મામલામાં પાડ્યા છે. આ દરોડા અંગે આપએ આરોપ લગાવ્યો છે કે દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી સોંપાયા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યના આવાસ પર CBI દરોડાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ સોશિયલ મિડિયા પર પોસ્ટ શેર કરી હતી. ભૂતપૂર્વ CM આતિશી, ભૂતપૂર્વ નાયબ CM મનીષ સિસોદિયા અને જેસ્મિન શાહ સહિત અનેક નેતાઓએ સોશિયલ મિડિયા પર પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી હતી.
મનીષ સિસોદિયાએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે 2027માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા પાડવામાં આવ્યા છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ ભાજપનું કાવતરું છે. ભાજપ જાણે છે કે ગુજરાતમાં હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેને ચેલેન્જ કરી શકે છે. આ હકીકતે ભાજપને હચમચાવી દીધી છે.