Tuesday, Dec 23, 2025

પતંજલિ સામે નેપાળમાં કથિત જમીન કૌભાંડનો કેસ, પૂર્વ વડાપ્રધાન ચાર્જશીટમાં

2 Min Read

પતંજલિ યોગપીઠના નેપાળમાં આવેલા યોગ કેન્દ્ર અને હર્બલ ખેતી સાથે સંબંધિત કથિત જમીન કૌભાંડ કેસમાં નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ કુમાર નેપાળ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ નેપાળની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી ધ કમિશન ઓફ ઇન્ક્વાયરી ઇનટુ એબ્યુઝ ઓફ ઓથોરિટી (CIAA) દ્વારા નોંધવામાં આવ્યો છે.

નોંધવામાં આવેલ કેસમાં માધવ કુમાર નેપાળ અને અન્ય 93 લોકોનું નામ છે. માધવ કુમાર નેપાળ CPN-યુનિફાઇડ સોશિયાલિસ્ટ પાર્ટીના પ્રમુખ છે. CIAAએ દાખલ કરેલી ચાર્જશીટમાં પતંજલિના વડા બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનના નામનો ઉલ્લેખ નથી.

આરોપ લગાવવામાં આવ્યો છે કે પતંજલિ યોગપીઠના કાવેર જિલ્લામાં આવેલા યોગ કેન્દ્ર અને હર્બલ ખેતી માટે જમીન ખરીદવામાં ગેરરીતી આચરવામાં આવી હતી. CIAA એ સ્પેશિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. CIAA એ ચાર્જશીટ પણ દાખલ કરી છે.

ચાર્જશીટ મુજબ, જ્યારે માધવ નેપાળ નેપાળના વડાપ્રધાન હતા, ત્યારે તેમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી અને આ બેઠકમાં જમીન ટોચમર્યાદા કાયદો નાબૂદ કરવામાં આવ્યો હતો. આ પછી, પતંજલિને જમીન ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બે મહિના પછી બીજો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેના કારણે પતંજલિને વ્યાપારીક રીતે જમીન વેચવાની મંજૂરી મળી હતી.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પતંજલિના વડા બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનના નામનો ઉલ્લેખ નથી. જોકે, તેમાં પતંજલિ-નેપાળના ડિરેક્ટર શાલિગ્રામ સિંહનું નામ છે. ચાર્જશીટમાં ભૂતપૂર્વ કાયદા પ્રધાન પ્રેમ બહાદુર સિંહ, દમ્બર શ્રેષ્ઠ અને ભૂતપૂર્વ મુખ્ય સચિવ માધવ પ્રસાદ ઘિમિરેનું પણ નામ છે.

Share This Article