કેનેડાના PMએ રાજદ્વારીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે લાખો લોકોનું જીવન મુશ્કેલીમાં

Share this story

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલો વિવાદ હજુ સુધી અટક્યો નથી. આ બધાની વચ્ચે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન રાજદ્વારીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી પર ફરીથી નારાજગી વ્યક્ત કરી છે. કેનેડીયન PMનું કહેવું છે કે, ભારતની આ કાર્યવાહી લાખો લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે. અહી નોંધનીય છે કે, આ નિવેદનના એક દિવસ પહેલા જ કેનેડાએ ભારતમાંથી તેના ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવવાની જાહેરાત કરી હતી.

વિગતો મુજબ થોડા દિવસો પહેલા ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે કહ્યું હતું. જો આમ નહીં કરવામાં આવે તો સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. હવે રાજદ્વારીઓ પાછા ખેંચવાની જાહેરાત પછી ૨૦ ઓક્ટોબરે ઑન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રુડોએ મોટું નિવેદન આપ્યું છે.

ભારત સરકાર ભારત અને કેનેડામાં લાખો લોકો માટે જીવન અવિશ્વસનીય રીતે મુશ્કેલ બનાવી રહી છે. તેઓ મુત્સદ્દીગીરીના મૂળ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી રહ્યા છે. હું લાખો ભારતીય કેનેડિયનોની સુખાકારી અને સુખ માટે ખૂબ જ ચિંતિત છું. આ સાથે તેમણે કહ્યું કે, કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાથી મુસાફરી અને વ્યવસાયમાં અવરોધ આવશે અને કેનેડામાં અભ્યાસ કરતા ભારતીયો માટે મુશ્કેલીઓ ઊભી થશે.

કેનેડામાં લગભગ ૨૦ લાખ ભારતીયો રહે છે, જે ત્યાંની કુલ વસ્તીના પાંચ ટકા છે. આ સાથે કેનેડામાં બહારથી ભણવા માટે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીયો હોવાનું પણ નોંધનિય છે.

ભારત અને કેનેડાના આ નવા તણાવ પર અમેરિકાએ પણ નિવેદન જાહેર કર્યું છે. USA દ્વારા ૨૦ ઓક્ટોબરે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની વિદાય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી અને આશા વ્યક્ત કરી હતી કે, ભારત રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું પાલન કરશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, મતભેદોને ઉકેલવા માટે પાયાના સ્તરે રાજદ્વારીઓની જરૂર છે. અમે ભારત સરકારને વિનંતી કરી છે કે, કેનેડાની રાજદ્વારી હાજરીના અભાવ પર ભાર ન મૂકે અને કેનેડિયન તપાસમાં સહકાર આપે. મિલરે કહ્યું કે, તેઓ અપેક્ષા રાખે છે કે ભારત રાજદ્વારી સંબંધો પર ૧૯૬૧ વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓ નિભાવશે.

આ પણ વાંચો :-