બિહારની સાથે આજે કેટલાક રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની નગરોટા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ભવ્ય જીત હાંસલ કરી છે. ચૂંટણી પંચે પરિણામો જાહેર કરી દીધા છે, જેમાં ભાજપના ઉમેદવાર દેવયાની રાણા 24,647 મતોની જંગી સરસાઈથી જીતી ગયા છે.
દેવાયની રાણાને કેટલા વોટ મળ્યા
દેવયાની રાણાને કુલ 42,350 મત મળ્યા હતા. જ્યારે જમ્મુ એન્ડ કશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટીના ઉમેદવાર હર્ષ દેવ સિંહને 17703 મત મળ્યા હતા. આમ 24647 મતથી ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જોગિંદર સિંહને 359, નોટાને 349 મત મળ્યા હતા.
કેમ યોજાઈ હતી પેટા ચૂંટણી
આ બેઠક દેવયાની રાણાના પિતા, દેવેન્દ્ર સિંહ રાણાના નિધન બાદ ખાલી પડી હતી, જેઓ 2024ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી જીત્યા હતા. ભાજપે દેવયાનીને ટિકિટ આપી અને તેઓ જીતવામાં સફળ રહ્યા હતા.

જીત બાદ દેવયાની રાણાએ શું કહ્યું
જીત મેળવ્યા બાદ દેવયાની રાણાએ કહ્યું, જે રીતે નગરોટાએ 2024માં રાણા સાહેબને આશીર્વાદ આપ્યો હતો, તે જ રીતે ફરી એકવાર મારા પર વિશ્વાસ મુક્યો છે. આ મારું સૌભાગ્ય છે. ભારતીય જનતા પાર્ટીના દૂરંદેશી નેતૃત્વમાં અમને જોડાવાની તક મળી છે. અમે ભાજપના દરેક રાજનેતાનો આભાર માનીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું, ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી લડે છે, ત્યારે જીતવા માટે લડે છે, જેનું પરિણામ આજે નગરોટા અને બિહારમાં પણ જોવા મળી રહ્યું છે. દેવયાની રાણાએ આગળ કહ્યું કે તેમનો આગળનો લક્ષ્ય લોકોની સેવા કરવાનો છે. જંગી જીત અપાવવા બદલ તેમણે નગરોટાના દરેક મતદારનો આભાર માન્યો હતો.