કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પશ્ચિમ કચ્છમાં કેરા મુન્દ્રા રોડ ઉપર આ ભયંકર અકસ્માતની ઘટના બની છે. ખાનગી ટ્રાવેલ્સની મિની લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ પાસે આવેલા માનકુવાના મુન્દ્રા – કેરા રોડ ઉપર બાબીયા ગામ પાસે એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થવાને લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ખાનગી બસનો કુચ્ચો વળી ગયો હતો ત્યાં જ બસમાં સવાર લોકોના શરીરના અંગો રસ્તા પર વેરાયેલા જોવા મળ્યા હતા.
અકસ્માતમાં ઘાયલો થયેલા લોકરોને હાલમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. જો કે મૃત્યુ આંક વિષે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા 38 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસ અને 108 ટીમને કરવામાં આવી હતી. જે બાદ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ આદરી હતી.