મધ્યપ્રદેશમાં નર્મદા પરિક્રમા માટે જતી એક બસ અકસ્માતનો શિકાર બની હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 55 શ્રદ્ધાળુ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
મધ્યપ્રદેશમાં બસ પલટી
આ દુર્ઘટના મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના વિસ્તારમાં ખેતિયા-પાટી માર્ગ પર બની હતી. મળતી માહિતી અનુસાર, બસ ઇન્દોરથી ઓમકારેશ્વર થઇને બડવાનીના રસ્તે મહારાષ્ટ્રના પ્રકાશા જતી હતી. બસમાં 55 મુસાફર સવાર હતા જે નર્મદા પરિક્રમા માટે નીકળ્યા હતા. કહેવામાં આવે છે કે ઘાટ વિસ્તારમાં પહોંચતા જ બસનું નિયંત્રણ બગડી ગયું હતું અને બસ પલટી મારી ગઇ હતી.
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી બચાવકામગીરી હાથ ધરી
દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર અફરા તફરી મચી ગઇ હતી અને મુસાફરોએ બુમરાણ કરી મુકી હતી. દુર્ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામીણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. બે મુસાફર બસ નીચે દબાઇ ગયા હતા જેમણે ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા જ ફૈલી,ફેતિયા, પાનસેમલ અને પાટી પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્વાસ્થ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
 
								 
			 
		 
		 
		 
		 
		 
		 
		 
		