Friday, Oct 24, 2025

બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો સામે ફેરવાયું બુલડોઝર

2 Min Read

દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળસના બેટ દ્વારકા સહિત અનેક જગ્યાઓમાં તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. હાલ યાત્રાધામ દ્વારકાના આવળાપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. જેના કારણે તંત્ર દ્વારા બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

યાત્રાધામ બેટ દ્વારકામાં આજે તંત્રે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસરનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો પરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં કરોડોની સરકારી જમીન પરનાં દબાણો તોડી પડાયા છે. અત્યાર સુધી 40 જેટલા દબાણો ધ્વસ્ત કરાયા છે. મેગા ડિમોલિશનની કાર્યવાહી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ DYSP સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને ટીમો ઘટના સ્થળે પહોંચી છે.

નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article