લોકસભાની ચૂંટણી માટે બસપા કોઈ મોરચામાં નહિ જોડાય: માયાવતી

Share this story

આજે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીનો જન્મદિવસ છે. બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના જન્મદિવસના અવસર પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે BSP લોકસભા ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કરશે નહીં અને એકલા હાથે ચૂંટણી લડશે. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ પર પણ જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે અખિલેશે કાંચિડાની જેમ રંગ બદલ્યો. કાચિંડા જેમ રંગ બદલનારાઓથી સાવધાન રહેવું જોઈએ. આ દરમિયાન, તેમણે EVM અને INDIA બ્લોકનો ઉલ્લેખ કર્યો અને જાહેરાત કરી કે તેમની પાર્ટી BSP સમગ્ર દેશમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટીના સમર્થનને જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.

ગઠબંધનનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું, ‘ગઠબંધન કરવાથી પાર્ટીને ફાયદો ઓછો પરંતુ નુકસાન વધુ થાય છે અને અમારી વોટ ટકાવારી પણ ઘટે છે અને અન્ય પાર્ટીઓને ફાયદો થાય છે. તેથી મોટાભાગની પાર્ટીઓ બસપા સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગે છે. અમારી પાર્ટી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડીને વધુ સારા પરિણામો લાવશે. અમે એકલા ચૂંટણી લડીએ છીએ કારણ કે તેનું સર્વોચ્ચ નેતૃત્વ દલિતના હાથમાં છે. ગઠબંધન કરવાથી, બસપાનો આખો મત ગઠબંધન પક્ષને જાય છે, જ્યારે તે ગઠબંધનનો મત, ખાસ કરીને ઉચ્ચ જાતિના મત, બસપાને જતો નથી.

માયાવતીએ કહ્યું કે EVM વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં આ સિસ્ટમ ખતમ થઈ શકે છે. આથી પક્ષના સમર્થનમાં વધારો કરતા રહેવું જરૂરી છે. સાથે જ ગઠબંધનને લઈને પાર્ટીનું માનવું છે કે આ મામલે અત્યાર સુધીનો અનુભવ એ રહ્યો છે કે ગઠબંધનથી બસપાને ઓછો ફાયદો અને વધુ નુકસાન થઈ રહ્યું છે અને વોટ ટકાવારીમાં ઘટાડો થાય છે. ગઠબંધન કરનારા પક્ષને વધુ ફાયદો થાય છે. આ કારણે મોટાભાગની પાર્ટીઓ બસપા સાથે મળીને ચૂંટણી લડવા માંગે છે. પરંતુ અમારે બસપાના ફાયદા વિશે પણ વિચારવું પડશે, આથી આગામી ચૂંટણીમાં અમે એકલા હાથે લડીશું.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણ પર માયાવતીએ કહ્યું, ‘મને આમંત્રણ મળ્યું છે, પાર્ટીના કામમાં વ્યસ્ત હોવાથી મેં ત્યાં જવાનો નિર્ણય કર્યો નથી. પરંતુ જે પણ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે તેની સામે અમને કોઈ વાંધો નથી, અમે તેને આવકારીએ છીએ, જો ભવિષ્યમાં બાબરી અંગે કંઈ થશે તો અમે તેને પણ આવકારીશું.