Thursday, Oct 23, 2025

નવી સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ દાદાના અંગદાનથી ત્રણને નવજીવન

2 Min Read

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૮૦મું સફળ અંગદાન થયું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલાઈગામ ખાતે રહેતા મિત્ના પરિવારના બ્રેઈનડેડ દાદાના બે કિડની અને એક લીવર દાન થતા ત્રણ જરૂરિયાતમંદ નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલાઈગામ ખાતે રહેતા ૭૩ વર્ષીય લક્ષ્મણભાઇ મિત્ના ઘર ઉપર પતરા મુકવા માટે ચઢયા હતાં. ત્યારે ચક્કર આવવાથી પડી ગયા અને બેભાન થઇ ગયાં હતા. જેથી પરિવારજનો દ્વારા ૧૦૮ મારફતે ભીલાડ સ્થિત હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં લક્ષ્મણભાઇને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. લક્ષ્મણભાઇની હાલત વધુ ગંભીર જણાતા તા.૮મી ઓક્ટોબરે વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તબીયત લથડતા ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં સઘન સારવાર બાદ તા.૧૦મી ઓક્ટોબરના રોડ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

મિત્ના પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાઠુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. સ્વ. લક્ષ્મણભાઈની દિકરી અને પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી.

સ્વ.લક્ષ્મણભાઈના દીકરીએ કહ્યું હતું કે, પિતાના મૃત્યુંનુ ખુબજ દુ:ખ છે. મારા પિતાના અંગો જે છેલ્લી પળે પણ કોઇને નવું જીવન આપી શકે તો અમે સહમત છીએ. બીજાને દાન મળશે એમાં મારા પિતા જીવીત રહેશે અને અમને યાદ આવશે કે, એ કોઇ જરૂરતમંદ વ્યકિતમાં જીવે છે.

Share This Article