આજે મંગળવારે સવારે મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના બિલ્ડીંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ભાગદોડ મચી ગઈ હતી. આજે સવારે BSEને ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિલ્ડિંગમાં ચાર RDX IED બોમ્બ લગાવવામાં આવ્યા છે અને તે બપોરે 3 વાગ્યે ફૂટશે. દિલ્હીની એક શાળા અને એક કોલેજમાં પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે.
બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઈમેઈલ ળતાં જ, BSE અધિકારીઓએ પોલીસને જાણ કરી. લોકલ પોલીસની ટીમો અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી.
બિલ્ડીંગની સંપૂર્ણ તપાસ બાદ આ ધમકી પોકળ સાબિત થઇ હતી, મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.”
“કોમરેડ પિનરાયી વિજયન” નામના આઈડી પરથી આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો, નોંધનીય છે કે પિનરાયી વિજયન કેરળના મુખ્ય પ્રધાન છે. પોલીસે આપેલી માહિતી મુજબ, આ એક બનાવટી મેઇલ છે અને આરોપીએ અગાઉ પણ આવો મેઇલ મોકલી ચુક્યો છે.